ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
નવી મુંબઈની એપીએમસી બજારમાં માથાડી ચોકની પાસેના નાળામાંથી એક પ્લાસ્ટિકની બૅગમાંથી શરીરના કપાયેલાં અંગો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પ્લાસ્ટિક બૅગમાં અંદાજે 30થી 40 વર્ષની વયની આસપાસના પુરુષના હાથ, પગ અને કમરની નીચેના કપાયેલા ટુકડા મળી આવ્યા હતા. એપીએમસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી હતી. મૃતકનું ધડ અને માથું આ બૅગમાંથી મળ્યું નથી.
એપીએમસી પોલીસના જણાવ્યા મુજબ બજાર સહિત આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. તેમ જ તમામ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાઈ છે કે એ પણ તપાસવામાં આવી રહ્યું છે.
રવિવારના સવારના કોપડી વિલેજના માથાડી ચોક પાસેના આ વિસ્તારમાં દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. એ દરમિયાન નાળામાંથી પ્લાસ્ટિકની બૅગ મળી આવી હતી. બૅગની અંદર પુરુષના શરીરના કપાયેલા હિસ્સા મળી આવ્યા હતા.
હાલ પોલીસ મૃતકના શરીરનું માથું અને ધડ શોધી રહી છે. એપીએમસી સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં તપાસ વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે. બહુ જલદી હત્યારાને શોધી કાઢવામાં આવશે એવો દાવો એપીએમસી પોલીસે કર્યો હતો.