ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
થોડાક સમયના વિરામ બાદ ફરી મુંબઈમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈ અને તેનાં પરાવિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી છે. આજે ફરી મુંબઈના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું. કુર્લા, ધરાવી ઉપરાંત મલાડમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે.
ઉપરાંત ભારે વરસાદને કારણે મુંબઈમાં ઠેર-ઠેર ટ્રાફિકજામનાં પણ દ્દૃશ્યો જોવા મળ્યાં છે. આરે કૉલોનીમાં ભારે વરસાદને કારણે ઝાડ તૂટી પડતાં ટ્રાફિક અવરોધાયો છે. આજે સાંજે પાંચ વાગ્યે દરિયામાં હાઈ ટાઇડની પણ આગાહી કરવામાં આવે છે, જેમાં 3.૯૫ મીટર ઊંચી લહેરો ઊઠી શકે છે. આવામાં જો મુંબઈમાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે તો મુંબઈગરાની હાલાકીનો પાર નહિ રહે.
સાંતાક્રુઝમાં પણ આજે સવારથી સતત વરસાદ ચાલુ છે અને ધોધમાર વરસાદને કારણે અનેક વિસતારોમાં પાણી ભરાઈ ગયા હોવાની માહિતી પણ સાંતાક્રુઝના રહેવાસી નીતિ મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને આપી હતી.
બીજી તરફ વિરાર-વસઈમાં સવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વિરાર સ્ટેશન નજીક આવેલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિરારના રહેવાસી સાનિકા સાવંતે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હમણાં ૧૨ વાગ્યે વિરાટનગર વિસ્તારમાં ભારે વરસાદને પગલે થોડોક સમય માટે વીજપુરવઠો પણ ખોરવાયો હતો.” જો આ ધોધમાર વરસાદ ચાલુ રહેશે તો વીજપુરવઠો ફરી ખોરવાઈ એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં શહેરના પૂર્વીય પરાં અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 76.16 મિમી, 24.12 મિમી અને 33.80 મિમી વરસાદ નોંધાયો છે.