News Continuous Bureau | Mumbai
Mumbai: ભ્રષ્ટાચાર માટે બદનામ મીરા-ભાઈંદર (Mira- Bhayander) મહાનગરપાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સ (Property Tax) ની આવક વધારવા માટે અહીં મિલકત ભાડે આપીને કમાણી કરનારાઓ પર વધુ ટૅક્સ નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુધરાઈની મુખ્ય આવક પ્રૉપર્ટી ટૅક્સની છે એટલે પ્રૉપર્ટી ભાડે આપનારાઓ પાસેથી વધુ ટૅક્સ મેળવવા માટે ટૅક્સ વિભાગે મિલકત ભાડે આપવાનું ઍગ્રીમેન્ટ જેમણે રજિસ્ટર કરાવ્યું હોય તેમને સાત દિવસની અંદર ઍગ્રીમેન્ટની કૉપી આપવાનો પત્ર લખ્યો છે. એટલું જ નહીં, રજિસ્ટ્રાર ઑફિસને પણ આ સંબંધી માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. સુધરાઈમાં સત્તાધારી પક્ષ બીજેપી (BJP) એ ૨૦૧૮માં જ આ બાબતે ઠરાવ લાવીને એ મંજૂર કરાવ્યો હતો. આ ઠરાવની હવે અમલબજાવણી શરૂ કરવામાં આવી છે. અસંખ્ય લોકોનો કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનો બાકી છે. તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી અને સામાન્ય લોકો પ્રૉપર્ટી ખરીદીને ભાડાની આવક કરે એના પર સુધરાઈ નજર નાખી રહી છે. એ કેવો ન્યાય? આવો સવાલ લોકોને થઈ રહ્યો છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ બીજેપીના નગરસેવકો દ્વારા ૨૦૧૮માં ૨૦ ફેબ્રુઆરીએ બોલાવવામાં આવેલી મહાસભામાં મિલકત ભાડે આપી હોય, એવા લોકોની આવક પર ૨૦ ટકા અથવા પ્રત્યેક ચોરસ ફીટદીઠ ૧૦ રૂપિયા દર મહિને ટૅક્સ તરીકે લેવામાં આવે એવો પ્રસ્તાવ રજૂ કરીને એ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવ પર હવે સ્થાનિક સુધરાઈએ ટૅક્સ વસૂલ કરવા માટે અમલબજાવણી શરૂ કરી દીધી છે. પ્રશાસનના ટૅક્સ વિભાગના અસિસ્ટન્ટ કમિશનર ચંદ્રકાંત બોરસેએ એક પત્ર લખીને જેમણે મિલકત ભાડે આપી હોય તેમને ઍગ્રીમેન્ટની કૉપી રજૂ કરવાનું કહ્યું છે. નિર્ધારિત સમયમાં ઍગ્રીમેન્ટ નહીં આપવામાં આવે તો સુધરાઈના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એમ પત્રમાં લખવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Neeraj Chopra Gold: નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, ઈતિહાસ રચનાર ગોલ્ડન બોય નીરજ ચોપડા પર શુભેચ્છાઓનો વરસાદ, જાણો કોણે શું કહ્યું..
પ્રતિ ચોરસફીટ ૧૦ રૂપિયા ટૅક્સ લાદવાની પ્રક્રિયા હાથ ધરી છે
મીરા-ભાઈંદરમાં હજારોની સંખ્યામાં એવા લોકો છે. જેમણે લાખો-કરોડો રૂપિયાનું રોકાણ કરીને મિલકત ખરીદીને ભાડા પર આપી છે. સુધારણા સમિતિના પત્રથી આવા લોકો ફફડી ઊઠ્યા છે. સુધારણાની મહાસભામાં આવી રીતે ઠરાવ લાવી શકાય? સુધારણા સમિતિ મંજૂર કરવામાં આવેલા ઠરાવની અમલબજાવણી કરી શકે? આવા સવાલ લોકોને થઈ રહ્યા છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના(BMC) ટૅક્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે અમે ભાડાની આવક કરનારાઓની વિગતો મેળવી રહ્યા છીએ. આ ક્ષેત્રમાં કેટલા લોકોએ તેમની દુકાન, ઘર, ઑફિસ કે આખેઆખી ઇમારત ભાડે આપી છે. એની વિગતો મળ્યા બાદ અમે તેમની ભાડાની આવક પર મહિને પ્રતિ ચોરસફીટ ૧૦ રૂપિયા ટૅક્સ લાદવાની પ્રક્રિયા હાથ ધરી છે. સુધરાઈમાં ટૅક્સની આવક વધારવા માટે ઠરાવ લાવવાની, મંજૂર કરવાની અને એના પર અમલબજાવણી કરવાની જોગવાઈ છે. એના આધારે જ અમે પ્રૉપર્ટી ભાડે આપનારાઓને પત્ર લખીને ઍગ્રીમેન્ટની કૉપી રજૂ કરવાનું કહ્યું છે.’
હાઉસિંગ સોસાયટીની સાથે સુધારણા સમિતિના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ વિનોદ સંપતે ‘જણાવ્યું હતું કે ‘મુંબઈમાં પણ પહેલાં ભાડાની આવક પર ટૅક્સ લેવાની સિસ્ટમ હતી. પ્રૉપર્ટી ટૅક્સના નિયમમાં ૨૦૧૨માં મુંબઈ બીએમસી (BMC) એ સુધારો કર્યો હતો અને કૅપિટલ વૅલ્યુના આધારે ટૅક્સ લેવાની શરૂઆત કરી ત્યારથી જૂની સિસ્ટમ રદ થઈ ગઈ હતી. કોઈ પણ સુધારણા સમિતિ ભાડાની આવક પર ટૅક્સ વસૂલ કરવા માટેનો ઠરાવ લાવી શકે, મંજૂર કરી શકે અને પ્રશાસન એની અમલબજાવણી પણ કરી શકે છે. કોઈને સુધારણા સમિતિના નવા નિયમ સામે વાંધો હોય તો એને કોર્ટમાં પડકારી શકે છે.’