News Continuous Bureau | Mumbai
Honeytrap in Mumbai: મુંબઈના એક બેંક મેનેજરને સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે દોસ્તી કરવી મોંઘી પડી છે. વરલીમાં રહેતા 43 વર્ષીય બેંક મેનેજરને બે મહિલાઓએ હનીટ્રેપમાં ફસાવીને ₹4.25 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ગોરાઈ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બે મહિલાઓની અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ, મેનેજરનો સંપર્ક સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે થયો હતો જેણે પોતાની ઓળખ હિમાચલની રહેવાસી તરીકે આપી હતી. અંધેરીમાં પ્રથમ મુલાકાત બાદ, મહિલાએ મેનેજરને ગોરાઈની એક હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે મેનેજર બોરીવલી પહોંચ્યા ત્યારે આ મહિલા તેની એક સહેલીને પણ સાથે લાવી હતી.
ગાઢ નિદ્રામાં હતા મેનેજર અને મહિલાઓએ હાથ સાફ કર્યો
ત્રણેય જણા ગોરાઈની એક હોટલમાં રોકાયા હતા, જ્યાં દારૂની મહેફિલ જામી હતી. મોડી રાત્રે બેંક મેનેજર ગાઢ નિદ્રામાં હોવાનો ફાયદો ઉઠાવીને બંને મહિલાઓ મેનેજરની સોનાની ચેઈન, કિંમતી ઘડિયાળ અને રોકડ સહિત કુલ ₹4.25 લાખનો મુદ્દામાલ લઈને વહેલી સવારે ભાગી ગઈ હતી. સવારે જાગ્યા બાદ મેનેજરને પોતે લૂંટાયા હોવાનો અહેસાસ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Mira Bhayandar:મીરા-ભાઈંદરમાં નજીવી બાબતે MBMC બસના ડ્રાઈવરને લોહીલુહાણ કરાયો, બસમાં ઘૂસીને 6 શખ્સોએ મચાવ્યો આતંક
બદનામીના ડરથી ફરિયાદ કરતા અચકાતા હતા
સામાજિક પ્રતિષ્ઠા અને બદનામીના ડરથી બેંક મેનેજર શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહોતા. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલાઓ રીઢા ગુનેગાર છે અને તેમણે અગાઉ કાશીમીરા તથા માંડવી વિસ્તારમાં પણ અનેક લોકોને આ જ રીતે શિકાર બનાવ્યા છે. આ જાણીને મેનેજરે હિંમત કરી ગોરાઈ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને મોટા રેકેટની આશંકા
ગોરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ હજુ પણ અનેક હાઈ-પ્રોફાઈલ લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોઈ શકે છે, પરંતુ સામાજિક ડરને કારણે ભોગ બનનાર લોકો સામે નથી આવી રહ્યા. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરવામાં સાવચેતી રાખે.
