News Continuous Bureau | Mumbai
મુંબઈ: મુંબઈના દાદર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે પ્લાઝા બસ સ્ટોપ નજીક એક ભયાનક અકસ્માત થયો. એક અનિયંત્રિત ટેમ્પો ટ્રાવેલરની ટક્કરના કારણે BESTની બસ સ્ટોપ પર ઊભેલા મુસાફરો પર ચડી જતાં આ દુર્ઘટના ઘટી. આ દુર્ઘટનામાં એક રાહદારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે એક મહિલા સહિત કુલ ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ થયો. તે સમયે એક બેફામ ગતિએ આવતા ટેમ્પો ટ્રાવેલરે BEST બસને જોરદાર ટક્કર મારી, જેના કારણે બસ બેકાબૂ બનીને બસ સ્ટોપ પર ઊભેલા લોકો પર ધસી ગઈ.
Mumbai bus accident વરલી ડેપોથી પ્રતિક્ષાનગર આગાર તરફ જઈ રહેલી BEST બસ પ્લાઝા બસ સ્ટોપ પર રોકાવા જઈ રહી હતી. આ દરમિયાન દાદર ટી.ટી. તરફથી શિવાજી પાર્કની દિશામાં પૂરપાટ ઝડપે આવતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું. આ ટેમ્પોએ સીધી બસના આગળના જમણા ટાયરને જોરદાર ટક્કર મારી.ટક્કર એટલી જબરદસ્ત હતી કે બસ ડાબી તરફ ઝૂકી ગઈ. ત્યારબાદ બસ સ્ટોપ પર ઊભેલા મુસાફરો અને રાહદારીઓને કચડીને આગળ નીકળી ગઈ.
આ સમાચાર પણ વાંચો : VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
અકસ્માતમાં બસનું આગળનું ટાયર ફાટી ગયું અને કાચ પણ તૂટી ગયો. BEST બસને ટક્કર માર્યા પછી ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલી એક ટેક્સી અને એક ટૂરિસ્ટ કારને પણ અથડાયો, જેના કારણે આ બંને વાહનોને પણ મોટું નુકસાન થયું.
આ દુર્ઘટનામાં એક રાહદારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેને તાત્કાલિક સાયન હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.આ સિવાય અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા નો સમાવેશ થાય છે.તમામ ઇજાગ્રસ્તોને હાલ સાયન હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માતની જાણ થતાં જ શિવાજી પાર્ક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. પોલીસે ટેમ્પો ટ્રાવેલરના ચાલકને કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ભીષણ અકસ્માતને કારણે મુંબઈની જાહેર પરિવહનની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.