ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
ગત એક સપ્તાહની અંદર ઉત્તર મુંબઈમાં એવા ત્રણ કિસ્સાઓ થઈ ગયા જે ઘરમાં બેસીને વ્યવસાય કરનાર લોકો માટે લાલબત્તી સમાન છે. મોટો ઓર્ડર આપવાની વાત કરીને બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખતી એક ડિજિટલ ટોળકી સક્રિય થઇ છે.
કાંદિવલીમાં રહેતી અંજલી છેડા ને આવો જ અનુભવ થયો. પોતાની સમજ અને આવડતને કારણે તેઓનો બેન્ક એકાઉન્ટ સફાચટ થતાં બચી ગયો. વાત એમ બની કે ગત સપ્તાહે એક વ્યક્તિએ પોતાની જાતને ઇન્ડિયન આર્મી નો ઓફિસર જણાવીને ફોન કર્યો. તેણે પોતાના વોટ્સએપ નંબર થી આશરે ૧૦ કિલો જેટલી મીઠાઈ મંગાવી. અને પેમેન્ટ કરવા માટે બેંક એકાઉન્ટની માહિતી માંગી. ત્યારબાદ વોટ્સએપ માધ્યમથી તેઓ પેમેન્ટ કરવા માંગે છે તે એવું જણાવીને એ ક્યુ આર કોડ મોકલાવ્યો. આ ક્યુ આર કોડ સ્કેન કરતાં વેંત અંજલી બેન ના ખાતામાં પૈસા આવી જશે તેવું જણાવ્યું.કંઈક શંકા જતા અંજલીબેન એ પોતાના પતિ ભાવેશ ને આખી વાત જણાવી. ત્યારબાદ ભાવેશભાઈ એ આવા કોઈ પણ પ્રકારનું સ્કેનીગ કરવાની ના પાડી દીધી અને ઓર્ડર આપનાર સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો. સામે વાળો વ્યક્તિ ટેલિફોનથી નહીં માત્ર વોટ્સએપ થી વાત કરવા તૈયાર હતો એટલે ભાવેશભાઈ ને શંકા ગઈ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ક્યુ આર કોડ સ્કેન કરવાની ના પાડી દીધી. એટલે પોતાની જાતને ઇન્ડિયન આર્મી નો જવાન કહેનાર વ્યક્તિ એ વોટ્સએપ પર તે ક્યુ આર કોડ ને ડીલીટ કરી નાખ્યો.
આ સમગ્ર વિષય સંદર્ભે ભાવેશભાઈ છેડાએ જણાવ્યું કે અમે ધંધો મેળવવા માટે ફેસબુક ઉપર જાહેરાત કરી હતી. તમને અપેક્ષા હતી કે તેનાથી વ્યવસાય મળશે પરંતુ એક વાત નક્કી છે કે અમારી જાહેરાત આવતાની સાથે જ છેતરપિંડી કરનાર લોકો પણ સક્રિય થઈ જાય છે.
આવો જ એક બીજો અનુભવ કાંદિવલીમાં રહેતા એક બેહેનને પણ થયો. પોતાનું નામ ન આપવાની શરતે તેઓએ જણાવ્યું કે તેઓ ઘરેથી કેક બનાવવાનો વ્યવસાય કરે છે. તેમજ પોતાની પ્રોડક્ટની એડવર્ટાઈઝમેન્ટ ફેસબુક પર આપતાં હોય છે. એક દિવસ તેમને મુંબઈ એરપોર્ટ થી કથીત સિક્યુરિટી પર્સનલ નો ફોન આવ્યો જેણે 10 કિલો કેક નો ઓર્ડર આપ્યો.પરંતુ પેમેન્ટ માટે ક્યુ આર કોડ પાઠવી અને કહ્યું કે આને સ્કેન કરતાં ની સાથે જ તેમના ખાતામાં પૈસા આવી જશે. તેમણે એ ક્યુ આર કોડ સ્કેન કર્યો અને તેમના ખાતામાં પૈસા આવવાના સ્થાને પૈસા કપાઇ ગયા. જોકે માત્ર પાંચ રૂપિયા કપાયા હતા. થોડીવાર પછી તેમના ખાતામાં પાંચ રૂપિયા ભરી ડિપોઝિટ કરવામાં આવ્યા અને બીજી વખત ક્યુ આર કોડ મોકલાવીને કહેવામાં આવ્યું કે આને સ્કેન કરો. જોકે અગાઉના અનુભવથી ચેતી ગયેલા એવા તે બહેને ક્યુ આર કોડ સ્કેન ન કર્યો અને આથી તેઓ એક મોટી આર્થિક છેતરપિંડી થી બચી ગયા.
આવો ત્રીજો એક કિસ્સો મલાડમાં રહેતાં એક વ્યક્તિ સાથે પણ થયો. તેઓ સ્ટીમ મશીન ને વેચવાનો વ્યવસાય કરે છે. સારો બિઝનેસ મેળવવા માટે તેમણે ફેસબુક પર એડવર્ટાઈઝમેન્ટ આપી હતી.એકાએક તેમને અઢીસો પીસનો એક ઓર્ડર પ્રાપ્ત થયો પરંતુ પેમેન્ટ ની શરત માત્ર ક્યુ આર કોડ દ્વારા મૂકવામાં આવી. દાળમાં કંઈક કાળું જણાતાં તેમણે એ ક્યુ આર કોડ સ્કેન કરવાની ના પાડી અને તેની સાથે જ આ ઓર્ડર કેન્સલ થઈ ગયો.
આમ ઉત્તર મુંબઈમાં ગત સપ્તાહમાં એવા ત્રણ કેસ નોંધાયા છે જેમાં ઘરથી બેસીને કામ કરનાર તેમજ ફેસબુકના માધ્યમથી વેપાર શોધનાર ગૃહિણીઓને ઇન્ડિયન આર્મી ના નામે ઓર્ડરના કોલ આવે છે અને ત્યારબાદ ક્યુ આર કોડ ના નામે છેતરપિંડી નો પ્રયાસ કરવામાં આવે છે.
તો આખરે ક્યુ આર કોડ ને કારણે શું થઈ શકે છે? તે સંદર્ભે વાત કરતાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ નિતીન ભટનાગરે જણાવ્યું કે ક્યુ આર કોડ ને કારણે તમારા મોબાઇલ ફોન હેક કરવામાં આવી શકે છે, આ ઉપરાંત ક્યુ આર કોડ ના બેકહેન્ડ માં યુપીઆઈ લિંક હોઇ શકે છે. આ લિકના માધ્યમથી તમારો પિન જાણી લેવામાં આવે છે. ત્યારબાદ સિક્યોરિટી પ્રોસેસ સાથે ચેડા કરીને બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે લોક ડાઉન થઇ ગયા બાદ લોકો ઘરેથી કામ કરતા થઇ ગયા છે. તેમજ લોકોને લઘુ વ્યવસાય કરવો પહેલાં કરતાં થઈ ગયો છે. આથી જે લોકો પાસે સાયબર સિક્યોરિટી અંગે જાણકારી નથી તેમને મૂર્ખ બનાવવાના કામ ધંધા હવે પહેલા કરતા વધી ગયા છે.
આ છેતરપિંડીના પ્રયાસ સંદર્ભે અંજલીબેન છેડાના પતી ભાવેશભાઈ છેડાએ મુંબઈ પોલીસને લખાણ ફરિયાદ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલા સમયમાં કાર્યવાહી કરે છે.
