ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જૂન 2021
મંગળવાર
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. એ માટે પાલિકા મોટા પાયા પર કોવિડ પ્રતિબંધક વેક્સિનેશન પર ભાર આપી રહી છે. જોકે બાળકો માટે હજી સુધી કોરોના માટે કોઈ વેક્સિન નહીં હોવાથી બાળકો માટે ચિંતા વધી ગઈ છે. એમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જોખમ વધારે હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. મુંબઈ મહાનગરપાલિકા તથા સ્થાનિક નગરસેવકો દ્વારા બાળકોની રોગપ્રતિકારકશક્તિ વધે એ માટે મુંબઈની જુદી-જુદી હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હાલમાં જ કાંદિવલી (પૂર્વ)માં મુંબઈ પાલિકા અને સ્થાનિક નગરસેવિકા સુરેખા પાટીલ દ્વારા 0થી 5 અને 10થી 16 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું, જેમાં બીસીજી (BCG), પેન્ટા(PENTA), પોલિયો ડોઝ( POLIO) , પોલિયો ઇન્જેક્શન, રોટા ડ્રોમ, ઇન્જેક્શન MR, ઇન્જેકશન MMR, ઇન્જેક્શન DPT બૂસ્ટર, ઇન્જેક્શન TT બાળકોને આપવામાં આવ્યાં હતાં.
ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત
બાળકો માટે હાલ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન ઉપલબ્ધ નથી. જોકે બાળકોની રોગપ્રતિકારકશક્તિ વધારે એ માટે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન બાળકોને આપવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. ફ્લૂ શોટ તરીકે ઓળખતી આ વેક્સિન કોવિડ જેવાં લક્ષણો ધરાવતા ઇન્ફ્લુએન્ઝાનો સામનો કરવાની અને બાળકોમાં પ્રતિકારક શક્તિમાં વધારો કરતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. મહારાષ્ટ્રની કોવિડ ટાસ્કે પણ એની ભલામણ કરી છે. આ વેક્સિન કોવિડ સામે રક્ષણ નહીં આપે, પરંતુ બાળકોને ગંભીર બીમારીની સાથે જ ખાસ કરીને શ્વસનને લગતી બીમારીથી બચાવી શકે છે.