ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં હાલ ફકત 18 ટકા પાણી બાકી રહ્યું છે, ત્યારે તાઉતે વાવાઝોડાની અસરને કારણે આ તળાવોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસી તળાવમાં પડ્યો હતો.
સાત તળાવમાંથી પાંચ તળાવમાં 17 મેથી 20 મે, 2021 સુધી ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ એટલે કે 210 મિલીમીટર (સવાઆઠ ઇંચ) વરસાદ મુંબઈમાં આવેલા વિહાર તળાવમાં પડ્યો હતો. મોડક સાગરમાં 178 મિલીમીટર(સાત ઇંચ), મધ્ય વૈતરણામાં 62 મિલીમીટર(સવાબે ઇંચ), તાનસામાં 59 મિલીમીટર (સવાબે ઇંચ) અને ભાતસામાં 29 મિલીમીટર(સવા ઇંચ) વરસાદ નોંધાયો છે, તો અપર વૈતરણામાં નોંધનીય વરસાદ પડ્યો નહોતો.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. જે સાત તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે. સાતમાંથી પાંચ તળાવ BMCની માલિકીના છે. અપર વૈતરણા અને ભાતસા રાજ્ય સરકારની માલિકીના છે.