ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
વિરાર પૂર્વમાં સ્ટેશન નજીક આવેલી ICICI બૅન્કની શાખામાં ચોરી કરવાના પ્રયાસ દરમિયાન બૅન્ક મૅનેજરની હત્યા થઈ હોવાનો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયો છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ જ્યારે ૩૫ વર્ષીય બૅન્કની મૅનેજર અને કૅશિયર શટર બંધ કરતાં હતાંત્યારે એક ચોરે હથિયાર દેખાડી બંનેને ધમકાવ્યા હતા અને બૅન્કના લૉકરમાંથી ૧.૩૮ કરોડ રૂપિયાનું સોનું બૅગમાં ભરી દીધું હતું.
મૅનેજરે વિરોધ કરતાં આ ચોરે તેમના પર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેને કારણે મૅનેજરનું મોત નીપજ્યું હતું તો કૅશિયરને ગંભીર ઈજા થઇ હતી. મૅનેજર યોગિતા વર્તકે બૂમો પાડી હતી જેને કારણે એક રાહદારીએ પોલીસને જાણ કરી હતી અને ચોરને પકડી પડ્યો હતો. આરોપી દુબે અગાઉ આ જ બૅન્કમાં નોકરી કરતો હતો.
આ સંદર્ભે વિરાર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સુરેશ વર્હાડેએ આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “આરોપી હાલ બીજી બૅન્કમાં કામ કરે છે અને એક વર્ષ પહેલાં તેણે અહીંથી નોકરી છોડી દીધી હતી. આ આરોપી પંજાબનો વતની છે અને નાલાસોપારામાં રહે છે. તે પરિણીત છે અને તેનો એક પુત્ર છે. અમે તેની ધરપકડ કરી છે અને કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. વધુ તપાસ ચાલુ છે.”