ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જુલાઈ 2021
બુધવાર
કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવાથી લોકલ ટ્રેનમાં ફરી પ્રવાસ કરવાની મંજૂરી મળે એની મુંબઈગરા રાહ જોઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત મુંબઈગરાની ઇચ્છા ઉપર મહારાષ્ટ્ર સરકારે પાણી ફેરવી નાખ્યું છે.કેન્દ્ર સરકાર તરફથી જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં વેક્સિનનો સ્ટૉક નહીં મળે, ત્યાં સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી શકાશે નહીં એવું નિવેદન ચોમાસું અધિવેશનના છેલ્લા દિવસે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપ્યું હતું.
લોકોમાં હર્ડ ઈમ્યુનિટી તૈયાર થવા માટે માસ વેક્સિનેશન આવશ્યક છે, પરંતુ વેક્સિનની અછતને પગલે મુંબઈ સહિત રાજ્યમાં વેક્સિનેશન ઝુંબેશ ધીમી પડી ગઈ છે. એથી કોરોનાના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનમાં પણ પ્રવાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. મંગળવારે અધિવેશનના છેલ્લા દિવસે રાજેશ ટોપેના લોકલ ટ્રેન સંદર્ભના આપેલા આવા નિવેદનથી ફરી લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
દર મહિને મહારાષ્ટ્રને 3 કરોડ વેક્સિનનો ડોઝ ઉપલ્બધ કરાવવો જોઈએ એવી માગણી કરતો ઠરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરાયો હતો. એ સમયે લોકલ ટ્રેન અને કોરોના સંદર્ભે તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. રાજેશ ટોપેએ કહ્યું હતું કે કોરોનાનો સૌથી વધુ ચેપ મહારાષ્ટ્રમાં રહ્યો છે. સૌથી વધુ દર્દી અને મૃતકોની સંખ્યા પણ વધુ રહી છે. હવે પાછું ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું જોખમ છે. એથી ઝડપી રીતે રસીકરણ થવું આવશ્યક છે. એ માટે કેન્દ્ર સરકારે રોજના 3 કરોડ ડોઝ આપવા જરૂરી છે. રોજ દસ લાખ લોકોને વેક્સિન અપવામાં આવે તો રસીકરણ ઝડપી થશે. ચેપ ફેલાવાનું જોખમ ઘટી જશે. એથી માસ્ક વેક્સિનેશન બાદ જ લોકલ ટ્રેન બાબતે નિર્ણય લઈ શકાશે.