ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોએ નોકરીધંધા ગુમાવ્યા હતા. તેને કારણે સેંકડો લોકો પોતાના વીજળીના બિલ સુદ્ધા ભરી શકયા નહોતા. બેસ્ટ, ટાટા અને અદાણી જેવી વીજ કંપનીઓએ અનેક વખત આ લોકોને વીજળીના બિલ ભરવાની સૂચના આપી હતી. છતાં નાગરિકો સહિત અનેક કંપનીઓએ વીજળીના બિલ ભર્યા નથી. આવા ડિફોલ્ટરોની સંખ્યા પણ ખાસ્સી મોટી થઈ ગઈ હતી અને વીજળીના બાકી રહેલા બિલની રકમ પણ મોટી થઈ ગઈ છે. આ લોકોના વીજળીના જોડાણ કાપવાને બદલે વીજ કંપનીઓએ તેમને બિલ ભરવા માટે અનેક વખત મુદત વધારી આપી હતી અને હવે ફરી એક વખત વીજ કંપનીઓએ ડિફોલ્ટરોને તાત્કાલિક વીજળીના બિલ ભરી નાખવાની સૂચના આપી છે. સરકારી કંપની મહાવિતરે ડિફોલ્ટરો પાસેથી કરોડો રૂપિયાના વીજળીના બિલ વસૂલવાના છે. તેથી મહાવિતરણે ડિફોલ્ટરોને તાત્કાલિક બાકી રહેલા બિલ ભરી નાખવાની સૂચના આપી છે. અન્યથા બરોબર દિવાળીના સમયે લોકોના ઘરમાં અંધારા થવાની શકયતા તેમણે વ્યકત કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહાવિતરણે લગભગ 123.73 કરોડ રૂપિયા તેના રેસિડેન્શિયલ ગ્રાહકો પાસેથી તો કર્મશિયલ ગ્રાહકો પાસેથી 92.8 કરોડ અને ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી 145.6 કરોડ રૂપિયા વીજળીના બિલ પેઠે વસૂલવાના બાકી છે.