ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
પાછલાં 6 મહિનાથી લોકડાઉન ને કારણે મોટાભાગના ધંધા ઠપ્પ પડ્યાં છે. મહાનગરમાં અત્યાર સુધીમાં માત્ર 70 ટકા દુકાનો ખુલી છે, જ્યારે 60,000 વ્યવસાયો હજી પણ બંધ છે. જેમાંના ઘણા નાના પાયાના વ્યવસાયકારો છે. જે માટે એક મોટું કારણ છે લોકલ ટ્રેન. ટ્રેનની સેવાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે લોકો તેમના કાર્યસ્થળો પર પહોંચી શકતા નથી.. એક વેપારી મંડળે કહ્યું હતું કે જો દિવાળી પહેલા પરિસ્થિતિ નહીં સુધરે, તો 25 ટકા ધંધા બંધ રાખવા પડશે અને આ વેપારીઓ એ મુંબઈ છોડવું પડશે. કોરોનાને કારણે લોકો ઘરે બેઠા છે. કોઈ ઉજવણી ન થતી હોવાને કારણે માત્ર FMCG ( રોજિંદી જરૂરીયાતની ચીજો) ની જ ખરીદી કરી રહ્યા છે. આને કારણે અન્ય ચીજો વેંચતા નાના ઉદ્યોગોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે."
બીજી બાજુ દિવસભર મોટાભાગની દુકાનો ખુલ્લી તો રહે છે પરંતુ કોવિડ-19 ના ડરને કારણે કામ પૂરતા જ ગ્રાહકો બહાર આવી રહ્યા છે. જ્યારે દુકાનના ખર્ચ અને જાળવણીમાં સતત વધારો થતો રહે છે. આ સાથે જ હવે વધુને વધુ લોકો ઓનલાઇન શોપિંગ કરતાં હોવાથી, પહેલાં કરતા વેપારીઓના ધંધાને વધુ ફટકો પડ્યો છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) ના એક અંદાજ મુજબ, લોકડાઉનને કારણે દેશભરમાં 1.75 કરોડ નાની દુકાનના માલિકોને ભારે નુકસાન થયું છે. જો પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય , તો બધા દુકાન માલિકોને દુકાન બંધ કરવાની ફરજ પાડવામાં આવશે. સીએઆઇટીના સેક્રેટરીએ કહ્યું કે, આનાથી બેરોજગારી વધશે જ. આવું થવાનું એક કારણ સરકારને પણ ગણાવાઇ રહી છે કારણકે કેન્દ્ર અને રાજ્ય સરકારો એ આ નાના વેપારીઓ ને ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની આર્થિક મદદ કરી નથી… સીએઆઇટીએ કહ્યું કે 'ભારતીય સ્થાનિક વેપારમાં સાત કરોડથી વધુ વેપારીઓ શામેલ છે અને 40 કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. તે લગભગ 60 લાખ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ઉત્પન્ન કરે છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા રૂ .20 લાખ કરોડના પેકેજમાં નાના ઉદ્યોગો માટેની કોઈ જોગવાઈ નથી તેમજ રાજ્ય સરકારે પણ નાના ઉદ્યોગો માટે આર્થિક સહાયની રચના કરી નથી. નાના વેપારીઓને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રોને નાણાકીય બેલઆઉટ પેકેજ આપવામાં આવ્યું છે. જેને કારણે હવે નાના વેપારીઓ વતન પાછાં જવાનું વિચારી રહયાં છે.