ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021.
બુધવાર.
નવી મુંબઈની એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં (એપીએમસી) ધાન્ય બજારમાં ગ્રોમાના પદાધિકારી દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ગ્રોમામાં ઉચ્ચ પદ ધરાવતા હોવા છતાં આ વેપારી દ્વારા ગોદામ તોડીને ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવી રહેલા બાંધકામ સામે ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. આ બાંધકામને કારણે રસ્તે ચાલનારા રાહદારીઓને તો મુશ્કેલી આવી જ રહી છે. પરંતુ તેને કારણે એપીએમસીની બજારમાં ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે. તેથી સ્થાનિક સ્તરે વેપારીઓ અને દલાલભાઈઓએ પણ આ ગેરકાયદેસરના બાંધકામ સામે વિરોધ કરી રહ્યા છે. જોકે ગ્રોમાના આ પદાધિકારી સામે બોલવાની કોઈ હિંમત નથી કરી રહ્યું. ગ્રોમા જેવી મોટી સંસ્થાના પદાધિકારી દ્વારા જ ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવા છતાં એપીએમસીના સંચાલકો દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાની ફરિયાદ પણ અમુક વેપારીભાઈઓ કરી રહ્યા છે.
મુંબઈ શહેરમાં કૉલેજો ખૂલી ગઈ, પરંતુ માત્ર કાગળ પર; અનેક મોટી કૉલેજો બંધ
ગ્રોમા સાથે સંકળાયેલા એક વેપારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે ધાન્ય બજારમાં સંબધિત વેપારીએ બાંધકામ કરવા માટે નવી મુંબઈ મહાનગરપાલિકા અને એપીએમસી પ્રશાસનની કોઈની મંજૂરી લીધી નથી. કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગોદામના મૂળ સ્ટ્રકચર અને બાંધકામને નુકસાન કરવામાં આવ્યું છે. ગોદામને તોડી પાડીને અહીં નવી આલીશાન ઓફિસ બાંધવામાં આવી રહી છે.
અન્ય વેપારીના કહેવા મુજબ એપીએમસીની સેફ્ટી વોલ પર લાગેલી ગ્રીલને તોડી પાડીને દીવાલ તોડી પાડવામાં આવી છે. પેસેજમાં રહેલી જગ્યાને પણ પોતાના કબજામાં લઈને તેના પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તોડકામને પગલે અહીંથી કાટમાળ પણ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો છે, જેને રસ્તા પર એક તરફ ફેંકવામાં આવી રહ્યો છે. તેને કારણે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા તો થાય છે, પરંતુ સાથે જ રસ્તા પર ચાલનારા રાહદારીઓને પણ તકલીફ થઈ રહી છે.
ગેરકાયદેસર બાંધકામ બાબતે અનેક વખત સંબંધિત વેપારીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સતત આઉટ ઓફ સર્વિસ આવી રહ્યો હતો. તો આ બાબતે ગ્રોમાના મંત્રી ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે બજારમાં કોઈ પણ બાંધકામ થઈ રહ્યું છે તે કાયદેસરનું કે ગેરકાયદે છે તે જોવાનું કામ એપીએમસી પ્રશાસનનું છે. અમે તેમાં શું કરી શકીએ કહીને તેમણે હાથ ઉપર કરી દીધા હતા. તો ગ્રોમાના અન્ય જયેશ ગંગરે કહ્યું હતું કે તેઓ મુંબઈ બહાર હોવાથી આ બાબતે તેમને કોઈ જાણકારી નથી.