News Continuous Bureau | Mumbai
થાણે જિલ્લાના મુંબ્રા (Mumbra)માં રમકડા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ધમકાવીને તેના છ કરોડ રૂપિયા લૂંટી લેવાનો શોકિંગ બનાવ બન્યો છે. થાણે પોલીસ કમિશનર, જય જીત સિંહે આ કેસમાં ડેપ્યુટી પોલીસ કમિશનર(DCP) સ્તરે તપાસનો આદેશ આપ્યો છે. તો આ પ્રકરણમાં એક પોલીસ ઇન્સ્પેકટર સહિત 10 પોલીસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બનાવ મુજબ થાણે પોલીસ કમિશનર(Thane police commissioner)ને 25 એપ્રિલ, 2022ના રોજ શેખ ઈબ્રાહિમ પાશા નામના ફરિયાદી તરફથી એક લેખિત પત્ર મળ્યો હતો. પત્ર મુજબ મુંબ્રા પોલીસના અધિકારીઓએ દરોડાના નામે મુંબ્રા(Mumbra)માં બોમ્બે કોલોની(Bombay colony)માં રહેતા રમકડાના વેપારી પાસેથી 6 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીએ મૂકી માઝા, રસોડામાંથી સૂપ અને સલાડમાંથી ટામેટા ગાયબ; જાણો વિગતે.
ફરિયાદી દ્વારા થાણે પોલીસ કમિશનર, જય જીત સિંહ સહિત રાજ્યના ગૃહમંત્રી દિલીપ વળસે-પાટીલ(Maharashtra Home Minister Dilip Walse Patil)ને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 12 એપ્રિલ, 2022ના રોજ બપોરે 12:00 થી 12:30 વાગ્યાની વચ્ચે મુંબ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શેવાલે, સબ. -ઇન્સ્પેક્ટર કાલે, સબ-ઇન્સ્પેક્ટર મદને અને અન્ય ત્રણ વ્યક્તિઓ મુંબ્રામાં બોમ્બે કોલોની(Bombay colony)માં રમકડાના વેપારી ફૈઝલ મેમણના ઘરે દરોડો પાડવા ગયા હતા. પોલીસે મેમણના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેના ઘરેથી 30 કરોડ રૂપિયાની રોકડ 30 બૉક્સમાં રાખેલી મળી આવી હતી. પ્રત્યેક બોક્સમાં 1 કરોડ રૂપિયા હતા. પોલીસે મેમણને ધમકી આપી હતી કે તારા ઘરમાંથી જે મોટી રોકડ મળી છે તે કાળું નાણું છે અને તેના પર દરોડા પાડવામાં આવશે અને જરૂરી તમામ રકમ જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ પોલીસે પૈસા જપ્ત કર્યા હતા અને તેને મુંબ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
પત્રમાં કરવામાં આવેલા દાવા મુજબ 30 કરોડ રૂપિયાના તમામ 30 બોક્સ મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરની કેબિનમાં રાખવામાં આવ્યા હતા. મેમણને સ્ટેશન પર લઈ ગયા પછી પોલીસ અધિકારીઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને કેસને દબાવવા માટે પૈસાની માંગ કરી. આખરે પોલીસના દબાણથી ડરીને મેમણ રૂ. 2 કરોડ ચૂકવવા તૈયાર થયો. આ સમયે પોલીસ અધિકારીએ કહ્યું કે અમે આમાંથી 2 કરોડ રૂપિયા લઈશું અને બાકીના તમને પરત કરીશું, પરંતુ 30 કરોડમાંથી 2 કરોડને બદલે પોલીસ અધિકારીઓએ તેમાંથી 6 કરોડ લઈ લીધા અને બાકીના 24 કરોડ પરત કરી દીધા. વાયરલ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે મેમણે પોલીસ અધિકારીઓને પૂછવાનો પ્રયાસ કર્યો કે તેઓએ આટલા પૈસા કેમ લીધા, ત્યારે પોલીસ અધિકારીઓએ તેને બહાર કાઢી મૂક્યો.
આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, મળ્યું મોત.. પરિવારમાં શોકનો માહોલ
થાણે પોલીસે(Thane Police) આ મામલે તપાસ શરૂ કરી છે અને મુંબ્રા પોલીસ સ્ટેશનમાં 12 એપ્રિલ, 2022ની મધ્યરાત્રિથી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે. તો આ બનાવ પ્રકાશમાં આવતા ભારે ઉહાપોહ થતા થાણે પોલીસ કમિશનરે ડીસીપી લેવલ પર પૂરા બનાવની તપાસનો આદેશ આપ્યો હતો. તેમ જ તાત્કાલિક ધોરણે એક પોલીસ ઈન્સ્પેક્ટર, બે પોલીસ સબ ઈન્સ્પેકટર અને સાત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.