ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અનલૉક સંદર્ભમાં આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાના છે. એથી મુંબઈમાં લાદવામાં આવેલા પ્રતિબંધોમાં આગામી ત્રણેક દિવસમાં રાહત મળવાની શક્યતા છે એવો દાવો મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કર્યો છે. વેપારીઓની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી બાદ મહારાષ્ટ્ર સરકાર જાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મુંબઈ કોરોના પૉઝિટિવિટી રેટના હિસાબે લેવલ વન હેઠળ આવી ગયું છે. છતાં મુંબઈમાં લેવલ થ્રીના પ્રતિબંધો યથાવત્ છે. વેપારીઓની દુકાન ખોલવાનો સમય લંબાવી આપવાની તથા વીકએન્ડમાં પણ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની માગણી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ રાહતની માગણી કરીને થાકી ગયેલા વેપારીઓએ અંતે ચૂંટણીનો બહિષ્કારની ધમકી આપી છે. એ અગાઉ સોમવારે દાદરમાં વેપારીઓએ આંદોલન પણ કર્યાં હતાં.
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં રહેલા લૉકડાઉનને પગલે આર્થિક રીતે પડી ભાંગેલા વેપારીઓ હવે હિંમત હારી ગયા છે. વેપારીઓએ આગામી વર્ષે થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતાં ઉદ્ધવ ઠાકરે એલર્ટ થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લાં 25 વર્ષથી મુંબઈ મનપામાં રાજ કરી રહેલી શિવસેનાને પાલિકા ગુમાવી પરવડશે નહીં. એથી વેપારીઓની ધમકી બાદ સરકારનું વલણ થોડું નરમ પડ્યું હોવાનું કહેવાય છે. આગામી બે-ત્રણ દિવસમાં પ્રતિબંધોમાં રાહત આપવા બાબતે સરકાર કોઈ જાહેરાત કરે એવી શક્યતા છે.
આ દરમિયાન મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે વેપારીઓને નુકસાન થયું છે. કોરોના મહામારી નિયંત્રણમાં છે, પણ એ પૂરી નથી થઈ. મુંબઈમાં હજી પણ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. વેપારીઓ અમુક લોકોના દબાણ હેઠળ આવી પ્રશાસન પર દબાણ લાવી શકે નહીં. અમને મુંબઈગરાની પણ ચિંતા છે. છતાં રાજ્ય સરકાર બે-ત્રણ દિવસમાં રાહત આપવા બાબતે નિર્ણય લેશે.