ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેને મળેલી ધમકી પ્રકરણની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) કરશે, એવી જાહેરાત રાજ્યના ગૃહ મંત્રી દિલીપ વળસે પાટીલે કરી છે. આદિત્ય ઠાકરે મળેલી ધમકીને મુદ્દે વિધાસભામાં ચર્ચા કરવામાં આવી હતી, એ સમયે બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવેલા આરોપીનું કનેક્શન કર્ણાટક હોવાને કારણે મહાવિકાસ આઘાડી અને ભાજપ અધિવેશનમાં સામ સામે થઈ ગયા હતા.
વિધાનસભામાં આ મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આરોપીની મુંબઈ સાયબર સેલે બેંગ્લોરથી ધરપકડ કરી છે. તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે. તેમ જ પૂરા પ્રકરણની તપાસ હવે SIT કરશે.
વિધાનસભ્ય સુનીલ પ્રભુએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ડો.નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, ગૌરી લંકેશની હત્યામાં પણ કનેક્શન કર્ણાટક સુધી પહોંચી ગયું હતું. હવે આદિત્ય ઠાકરેને ધમકી આપનારો પણ ત્યાંથી પકડાયો છે. આરોપીનો સંબંધ કર્ણાટક સાથે હોવાથી વિધાનસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપ અને સત્તાધારી પક્ષ સામ સામે થઈ ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર છે.
વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આદિત્ય ઠાકરેને મળેલી ધમકી બદલ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ તેમણે ધમકી પ્રકરણને રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાનું આરોપ કર્યો હતો.