ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈના કાંદીવલી અને વસઈમાં અર્હમ યુવા સેના ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો માટે મફતમા આંખની તપાસણી તથા મોતિબિંદુના ઓપરેશન માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
રવિવાર પાંચ ડિસેમ્બર 2021ના રોજ કાંદિવલી(વેસ્ટ)માં મહાવીર નગરમાં પાવન ધામમાં એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તો એ જ દિવસે બીજો કેમ્પ વસઈ(વેસ્ટ)માં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘમાં રાખવામાં આવ્યો હતો. સવારના 10 વાગ્યાથી ચાલુ થયેલો આ કેમ્પ બપોરના એક વાગ્યા સુધી ચાલ્યો હતો.
અર્હમ ગુપ્ર સાથે જોડાયેલા ભાવેશ દોશીએ માહિતી આપતા ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના માર્ગદર્શનમાં શ્રી મહાવીર ક્લીનીક સાથે સંયુક્ત રીતે અર્હમ યુવા સેના ગ્રુપ દ્વારા કેટરેક આઈ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી બપોર સુધી કાંદીવલી અને વસઈમાં ચાલેલા આ કેમ્પમાં 300 લોકોએ ભાગ લીધો હતો. આ લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાં 73 લોકોના આંખમાં મોતીબિંદુ(કેટરેક્ટ) હોવાનું જણાયું હતું. આ તમામ લોકોના શ્રી મહાવીર ક્લીનીકમાં આંખના ઓપરેશન નિશુલ્ક કરવામાં આવશે.