ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB અધિકારી સમીર વાનખેડે મંગળવારે દિલ્હીમાં હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં એક તરફ સમીર વાનખેડે તેમની સામે કથિત લાંચ લેવાના આરોપો અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકના હુમલાનો સામનો કરી રહ્યા છે. એ જ સમયે હિન્દુ સેના સહિત અન્ય ઘણાં સંગઠનો તેમના સમર્થનમાં બહાર આવ્યાં છે. કાંદિવલીમાં સમીર વાનખેડેના સમર્થનમાં BJP દ્વારા સહીઝુંબેશ કરવામાં આવી હતી. BJPના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કહ્યું, "જ્યારથી NCB ચીફ સમીર વાનખેડે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સક્રિય થયા છે, ત્યારથી ઠાકરે સરકાર તેમને નિશાન બનાવી રહી છે."
મંગળવારે કાંદિવલીના ભાજપના કેટલાક સમર્થકો સમીર વાનખેડેના સમર્થનમાં વ્હાઇટ બોર્ડ હૉર્ડિંગ પર સહી કરતા જોવા મળ્યા એની સાથે અન્ય સામાન્ય લોકો પણ જોડાયા હતા. પ્રચારની તસવીરો સાથે ભાતખળકરે ટ્વીટ કર્યું હતું કે વાનખેડેના સન્માનમાં અને નવાબ મલિકના લાયટ્રાયલના નિષેધમાં ભાજપ રસ્તા પર ઊતરી આવ્યું છે.
સ્વાસ્થ્ય જાણકારી : ડાર્ક ચૉકલેટ ખાવાથી વધે છે એનર્જી; જાણો એના અનેક અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
અતુલ ભાખળકરે જણાવ્યું હતું કે વાનખેડેને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિક દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવ્યો છે. નવાબ મલિક વાનખેડેના અંગત જીવન ઉપર ઊતરતી કક્ષાના આરોપ કરીને તેમને આરોપીના પાંજરામાં ઊભા કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. વાનખેડે પ્રામાણિક હિન્દુ-મરાઠી અધિકારી છે અને મરાઠીનું સમર્થન કરનારા મુખ્ય પ્રધાન મહોદય ચૂપ કેમ છે? એવો સવાલ અતુલ ભાતખળકરે કર્યો હતો. 300થી વધુ ડ્રગ્સ માફિયાઓ પર કાર્યવાહી કરનાર અધિકારીને સમર્થન આપવાનું છોડીને મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો અધિકારીઓને ધમકી આપી રહ્યા છે, તેમના ખાનગી જીવન પર આંગળી ચીંધી રહ્યા છે, જે શરમજનક વાત છે.