ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં ફરી એક વખત કોરોના ભરડામાં ફસાઈ ગયું છે. કોરોના દર્દીઓ આંકડા 20,000ની પાર પહોંચી ગયા છે. જોકે બે-ચાર દિવસથી કેસમાં ઘટાડો થયો છે. એ સાથે જ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. જે મુંબઈ મહાનગરપાલિકા માટે રાહતજનક બાબત રહી છે. જોકે હજી પણ મુંબઈમાં સૌથી વધુ મૃત્યુ દર અંધેરી(પૂર્વ)માં રહ્યો છે. ત્યારબાદ ભાંડુપમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે.
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન મુંબઈમાં મૃત્યુઆંક ઊંચો રહ્યો હતો. સદનસીબે 21 ડિસેમ્બરથી ત્રીજી લહેર ચાલુ થઈ છે પરંતુ હજી સુધી મૃત્યુઆંક સિંગલ આંકડામાં જ રહ્યો છે. મૃત્યુઆંક ઘટાડવા માટે પાલિકાએ ‘મિશન સેવ લાઈફ’ અભિયાન હાથ ધર્યું હતું, જેને પગલે મૃત્યુઆંક નીચે લાવી શકી હતી.
પાલિકાના ડેશ બોર્ડના આંકડા મુજબ માર્ચ ૨૦૨૦થી 12 જાન્યુઆરી 2022 સુધીના સમયગાળામાં મુંબઈમાં કોરોનાથી ૧૬,૪૨૦ દર્દીના મોત થયા છે. તેમા કે-ઈસ્ટ વોર્ડના જોગેશ્વરી (ઈસ્ટ), અંધેરી(ઈસ્ટ)માં સૌથી વધુ મૃત્યુ થયા છે. આ વોર્ડમાં છેલ્લા 21 મહિનામાં ૧૨૮૭ મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજા નંબરે એસ-વોર્ડના ભાંડુપમાં ૧૦૫૩ મૃત્યુ નોંધાયા છે. તો આર-સેન્ટ્રલ વોર્ડના બોરીવલીમાં ૯૯૧ મૃત્યુ નોંધાયા છે.
કોવિડની પહેલી લહેર મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા હતા. ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના ગંભીર બીમારી ધરાવતા દર્દીના મૃત્યુ થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંક ઘટાડવામાં પાલિકાને સફળતા મળી હતી. પાલિકાના ‘મિશન સેવ લાઈફ’ ઝુંબેશની સાથે જ નાગરિકોને કોવિડ વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. તેને કારણે કોવિડના દર્દીઓનો મૃત્યુઆંક ઘટાડવામાં પાલિકાને સફળતા મળી હતી.
ઑકટોબર ૨૦૨૧ સુધીમાં મૃત્યુદર એક ટકા પર આવ્યો હતો. આ દરમિયાન કોરોનાની વૅક્સિનની પણ અસર જોવા મળી હતી. ૨૧ ડિસેમ્બરથી કોરોનાની ત્રીજી લહેર ચાલુ થયા બાદ દરરોજના દર્દીની સંખ્યા ૨૦થી ૩૦ ટકા વધી છે પરંતુ મૃત્યુદર નિયંત્રણમાં હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. ૧૭ ઑક્ટોબર 2021 ના મુંબઈમાં કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી પહેલી વખત એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. ત્યારબાદ ડિસેમ્બરમાં સતત સાત વખત મુંબઈમાં એક પણ મૃત્યુ નોંધાયું નહોતું.
પાલિકાના ડેશ બોર્ડ મુજબ મુંબઈમાં સૌથી વધુ મૃત્યુ કે-પૂર્વ વોર્ડના જોગેશ્વરી (પૂર્વ) અને અંધેરી(પૂર્વ) વિસ્તારમાં થયા છે. અહીં કુલ ૧,૨૮૭ મોત થયા છે. બીજા નંબરે એસ-ભાડુંપ વોર્ડમાં ૧૦૫૩, ત્રીજા નંબરે આર-સેન્ટ્રલ વોર્ડ બોરીવલીમાં ૯૯૧, ચોથા નંબરે પી-ઉત્તર વોર્ડ મલાડમાં ૯૭૭ અને પાંચમા નંબરે આર-દક્ષિણ વોર્ડના કાંદીવલીમાં ૮૯૦ મૃત્યુ થયા છે.