ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ગેરકાયદે બાંધકામ કરવા ઝાડમાં ડ્રીલિંગ કરીને તેને ઝેર આપવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ મલાડ (વેસ્ટ)માં બન્યો હતો. સ્થાનિક રહેવાસીઓમાં આ બાબતે ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
મલાડના માલવણીમાં ખારોડી વિલેજમાં ઇનાસવાડી વિસ્તારમાં સાઈબાબા મંદિર નજીક આ બનાવ બન્યો હતો. એમાં ઝાડમાં ડ્રીલિંગ કરીને ઝેર આપવામાં આવ્યું હોવાનો શૉકિંગ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોને તેની જાણ થતાં તેઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી તથા દોષી સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી સાથે રહેવાસીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના આરોપ મુજબ જે જગ્યા પર ઝાડ આવેલું છે, એ જગ્યાનો માલિક ઝાડની કતલ કરીને એ જગ્યા પર ઝૂંપડું ઊભું કરવામાં માગે છે. એથી ઝાડના થડમાં ડ્રીલિંગ કરીને એમાં ઝેર નાખવામાં આવ્યું હતું.
સોશિયલ ઍક્ટવિસ્ટ શુભોજિત મુખર્જીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ઝાડને મારી નાખવા માટે આ બહુ જૂનીને જાણીતી પદ્ધિતિ છે. ખાનગી જમીનમાં ઝાડને હટાવવા માટે ઝાડના થડમાં ડ્રીલિંગ કરીને તેને ઝેર આપવાના ઘણા બનાવ બનતા હોય છે. ડ્રીલિંગ કરીને ઝાડને ઝેર આપવાથી તે થોડા દિવસમાં એ ઝાડ સુકાઈ જાય છે. એટલે નાછૂટકે પાલિકાને તે ઝાડ કાપવું પડે છે.
મલાડના આ વિસ્તારમાં જગ્યાના માલિકને ત્યાં ગેરકાયદે બાંધકામ કરવું હોવાથી તેણે ઝાડને ઝેર આપ્યું હોવાનું સ્થાનિક નાગરિકોએ ફરિયાદ કરી છે. ઝાડને ઝેર આપવું એ એક ક્રિમિનલ ઓફેન્સ છે. ગુનો આચરનારા સામે પોલીસમાં FIR નોંધાવીને તેને સજા થઈ શકે છે. મલાડના આ બનાવમાં પણ પોલીસમાં ગુનો નોંધાવવામાં આવવાનો છે. તેમ જ પાલિકાને પણ આ બાબતની જાણ કરવામાં આવી હોવાનું શુભોજિતે જણાવ્યું હતું.
શાબ્બાશ! કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં આટલા લાખ થયું વેક્સિનેશન; જાણો વિગત
પાલિકાના મલાડના ટ્રી ઑથૉરિટી ખાતાના ઑફિસર મુકેશ પવારે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે આ એક પ્રકારનો ગુનો છે. પાલિકાએ ઘટનાસ્થળની વિઝિટ કરી હતી. પૂરા બનાવની તપાસ કરી હતી. સ્થાનિક નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી. પ્રાથમિક તપાસમાં જમીનના માલિકનો આમાં હાથ હોવાનું જણાઈ આવ્યું છે. એથી જમીનના માલિક વિરુદ્ધ પાલિકા દ્વારા FIR નોંધવામાં આવશે.