ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
રાષ્ટ્રીય પક્ષ કહેવાતા કૉન્ગ્રેસ માટે એક સાંધે ને તેર ફાટે જેવી હાલત છે. રાષ્ટ્રીય સ્તરે નામશેષ થવાને આરે આવેલી કૉન્ગ્રેસ મહારાષ્ટ્રમાં ફરી ઍક્ટિવ થવાના પ્રયાસમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારમાં રાષ્ટ્રવાદી અને શિવસેના સાથે કૉન્ગ્રેસ સત્તામાં છે. એથી મિત્રતાનો ધર્મ બજાવવી કૉન્ગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપની ટીકા કરવાનો એકેય મોકો છોડતી નથી, પરંતુ શિવસેના સાથે રાજ્યમાં સંયુક્ત સરકાર ચલાવી રહી હોવાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોવાઈ ન જાય એની પૂરતી તકેદારી રાખી રહી છે. તેણે મુંબઈ મહાનગરપાલિકાના કારભાર પર સતત ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે.
મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત્ રહેશે; સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો એ જિલ્લાઓનાં નામ
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજ્યમાં સંયુક્ત સરકાર ચલાવી રહેલી કૉન્ગ્રેસે અત્યારે પાલિકાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી છે. એથી હવે મુંબઈની જુદી-જુદી સમસ્યાઓને લઈને આક્રમકતા બતાવી રહી છે. કૉન્ગ્રેસ સોશિયલ મીડિયા પર વધુ ઍક્ટિવ થઈ ગઈ છે અને મુંબઈના રસ્તા પર પડેલા ખાડાઓથી લઈને ગેરકાયદે બાંધકામ, પાલિકાના કારભારમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર શિવસેનાને ઘેરવાની એક પણ તક છોડતી નથી.