ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
તાજેતરમાં મુંબઈમાં 260 મીટર ઊંચી ઇમારતમાં આગ લાગી હતી. એણે મુંબઈની બધી જ હાઈરાઇઝ ઇમારતવાસીઓની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે. ગગનચુંબી ઇમારતો બનાવી તો દીધી, પરંતુ એમાં રહેનારાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. આટલી ઊંચી ઇમારતોમાં આગ લાગ્યા બાદ મુંબઈના ફાયર બ્રિગેડ પાસે બચાવકાર્યનાં સાધનો હોતાં નથી. મુંબઈમાં 40થી વધુ માળની 183 ઇમારતો છે.
હાલમાં શહેરમાં 40થી વધુ માળની 60 ઇમારતનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે અને કેટલીક ઇમારતોનો પ્રસ્તાવ BMC પાસે વિલંબિત છે. મુંબઈની પ્લાનિંગ ઑથૉરિટી થયા પછી પણ સુરક્ષા ઉપાયોને નજરઅંદાજ કરીને BMCના પ્રપોઝલ વિભાગમાં પ્રસ્તાવો થઈ રહ્યા છે. વર્ષ 1970ના દાયકામાં મુંબઈમાં માત્ર બે જ ઊંચી ઇમારતો હતી. એમાં 25 માળ હતા. 1990ના દાયકામાં સ્કાયલાઇન ઇમારતોના નિર્માણમાં વધારો થયો. હાલમાં લાલબાગ, પરેલ અને વરલીમાં સૌથી વધુ ગગનચુંબી ઇમારતો છે.
હવે મેટ્રો રેલના કર્મચારીઓને પણ ડ્રેસ કોડ : યુનિફૉર્મ પાછળ ખર્ચાશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
ઘણી જગ્યાએ ઊંચી ઇમારતોમાં બનેલા રેફ્યુજી ફ્લોર પર પણ અતિક્રમણ કરી લેવામાં આવે છે. આ સ્થાનને ખુલ્લું રાખવાને બદલે એમાં સમારોહ આયોજિત કરવામાં આવે છે. ઘણા લોકો બાલ્કની તોડીને ફ્લૅટની અંદરના હિસ્સામાં સામેલ કરે છે, ગ્રિલથી બાલ્કનીને બંધ રાખે છે. આ બધાને લીધે ફાયર બ્રિગેડ અને બચાવકાર્યમાં અગવડ પડે છે. ઊંચી ઇમારતના ટૉપ ફ્લોર પર આગ લાગે છે એને બુઝાવવા માટે BMC પાસે કોઈ સાધનો નથી. વધુમાં વધુ 30 માળ સુધી પહોંચવા માટે 90 મીટરની સીડી છે. એટલે કે 30 માળ સુધીના લોકોને જ બચાવી શકાય. BMCમાં 110 મીટરની સીડી ખરીદવાનો પ્રસ્તાવ ઘણાં વર્ષો પહેલાં મુકાયો હતો. જોકે આ સીડી આવી પણ જાય તોય પૂરતું નથી. આ ઇમારતોમાં લાગેલા પોતાનાં ઉપકરણો અને સુરક્ષાનાં સાધનો વડે બચાવકાર્ય કરવું પડશે, નહીં તો લોકોના પ્રાણ ખતરામાં મુકાશે.