ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે ત્યારે પાણીજન્ય બીમારીએ માથું ઊંચક્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ગૅસ્ટ્રો, લેપ્ટો તથા ડેન્ગ્યુના કેસ વધી ગયા છે. સદનસીબે જોકે છેલ્લા છ મહિનામાં કોઈએ આ બીમારીને કારણે જીવ ગુમાવ્યો નથી.
સામાન્ય રીતે ચોમાસામાં પાણીજન્ય બીમારીના કેસ વધી જતા હોય છે. એમાં મલેરિયા, ડેન્ગ્યુ, લેપ્ટો અને ગૅસ્ટ્રોની સમયસર સારવાર નહીં કરી તો એ જીવલેણ બની શકતી હોય છે. છેલ્લા દોઢ વર્ષથી મુંબઈમાં કોરોના મહામારી ચાલી રહી છે. આ સમય દરમિયાન પણ સદનસીબે કોઈનું પાણીજન્ય બીમારીથી મૃત્યુ થયું નથી. 2020ની સાલમાં જોકે 12નાં મૃત્યુ થયાં હતાં, તો 2019ની સાલમાં 20નાં મોત થયાં હતાં, જેમાં સૌથી વધુ 11 મૃત્યુ લેપ્ટોને કારણે થયાં હતાં.
પહેલી જાન્યુઆરીથી 11 જુલાઈ, 2021 સુધીમાં મુંબઈમાં મલેરિયાના 230, લેપ્ટોના 15, ડેન્ગ્યુના 12 તો ગૅસ્ટ્રોના 180 કેસ નોંધાયા છે. 2020ની સાલમાં પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના 12 મહિનાના સમયમાં મલેરિયાના 954, લેપ્ટોના 14, ડેન્ગ્યુના 11 તો ગૅસ્ટ્રોના 56 કેસ નોંધાયા હતા.
સારા સમાચાર : મ્હાડાએ લીધો આ નિર્ણય, એથી જરૂરિયાતમંદોને મુંબઈમાં સસ્તાં ઘર ઉપલ્બધ થશે; જાણો વિગત
આ બીમારીને નાથવા પાલિકા દ્વારા સતત તકેદારીનાં પગલાં લેવામાં આવતાં હોય છે. મલેરિયા, ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનાં ઉત્પત્તિ સ્થળો શોધીને એનો નાશ કરવાનાં કામ કરવામાં આવતાં હોય છે. ગૅસ્ટ્રોના કેસ વધે નહીં એ માટે જે વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોય એવા વિસ્તારમાં નિયમિત તપાસ કરવામાં આવતી હોય છે. પ્રાણીઓનાં મળમૂત્રથી લેપ્ટો ફેલાતો હોય છે. પાલિકાએ આ બીમારીઓ માટે KEM, સાયન, નાયર, કૂપર જેવી પાલિકાની હૉસ્પિટલોમાં ખાસ પલંગ રિર્ઝવ રાખ્યા છે.