ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈના રસ્તા ઉપર ચાઇનીઝના સ્ટૉલ અને હૉટેલોમાં બનતા ચાઇનીઝ પદાર્થોમાં મૃત, સડેલા મરઘાનો વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે. આવા ઠેકાણે માંસાહારી ખાદ્યપ્રેમીઓના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે. આ અંગે ગંભીર નોંધ લેતાં અન્ન અને ઔષધ પ્રશાસન (FDA)એ મરેલા, સડેલા મરઘાના ગેરકાયદે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
બુધવારે FDAએ જે. જે. પોલીસ સ્ટેશનમાં મૃત મરઘાના ગેરકાયદે વેચાણ કરનારા એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અન્ન સુરક્ષા માનક કાયદા અનુસાર ખાવા માટે જીવંત મરઘાઓનો જ વપરાશ કરવાનું ફરજિયાત છે. મુંબઈમાં નાશિક, પુણે અને અન્ય જિલ્લાઓમાંથી મરઘા લાવવામાં આવે છે. મુંબઈમાં પહોંચતાં પહેલાં જ પ્રવાસ દરમિયાન એમાંથી કેટલાક મૃત્યુ પામે છે. FDAએ આ પહેલાં ઘણી વાર મૃત, કોહવાઈ ગયેલા મરઘાના ગેરકાયદે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. છતાં ગ્રાહકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. નળબજારમાં આ રીતે ગેરકાયદે વેચાણ શરૂ હોવાની માહિતી મળ્યા બાદ FDAએ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હોવાની માહિતી FDAના આસિસ્ટન્ટ કમિશનર શશીકાંત કેકરે આપી હતી.