ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સાથે જ મૃતકોના આંકડામા ધરખમ ઘટાડો આવી ગયો છે. છતાં મુંબઈમાં કોરોનાના નવા કેસનો આંકડો છેલ્લા થોડા દિવસથી 600ની નીચે જતો જ નથી. ત્યારે મુંબઈમાં કોઈ રાહત આપવી ના પડે તે માટે જાણી જોઈ તો BMC આંકડો ઊંચો નથી બતાવતીને એવી શંકા ઉપસ્થિત થઈ રહી છે.
મુંબઈમાં 27 જૂન, રવિવારે કોરોનાના 746 કેસ અને 13 મૃત્યુ નોંધાયા હતા. શનિવારે 26 જૂનના 648 કેસ અને 15 મૃત્યુ, 25 જૂન શુક્રવારના 693 પોઝિટિવ કેસ અને 20 મોત, 24 જૂન ગુરુવારના 789 કેસ અને 10 મોત, 23 જૂન બુધવારના 863 કેસ અને 13 મોત નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં સતત 600ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. અગાઉ મુંબઈમાં કોરોનાના સરેરાશ કેસ 45થી 550ની આસપાસ આવી ગયા હતા.
થોડા સમય પહેલા મુંબઈ પાલિકાએ કોરોનાની ટેસ્ટિંગમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરી નાખ્યો હતો. એ સાથે જ કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હતો. કોરોના પોઝિટિવિટી રેટ પણ ઘટી ગયો હતો. તેથી મુંબઈમાં પ્રતિબંધોમાં રાહત આપવાની દરેક સ્તરેથી માગણી થઈ રહી હતી. જોકે અચાનક પાલિકાએ કોરાનાની ટેસ્ટિગ વધારી દીધી હતી. તેની સાથે જ દરરોજ નોંધાતા કેસમાં પણ વધારો જણાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સરેરાશ 600ની ઉપર કેસ નોંધાયા છે. ટેસ્ટિગમાં વધારો તો કેસમાં વધારો થવાનું ચાલુ થઈ ગયું છે. તેથી મુંબઈમાં મુકાયેલા નિયંત્રણો શિથિલ કરવા ના પડે તે માટે પાલિકા જાણી જોઈને તો આવું નથી કરી રહી એવી શંકા થઈ રહી છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જોકે આ વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવશ્યકતા મુજબ ટેસ્ટિંગ વધારવા અને ઘટાડવા વિશે નિર્ણય લેવામાં આવે છે. બીજી લહેર નિયંત્રણમાં આવી છે. છતાં બેદરકારી દાખવવી પરવડશે નહીં. તેથી જે વિસ્તારમાં કેસમાં વધારો જણાય ત્યાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવે છે. હાઈ રિસ્ક સહિત ક્રોસ ચેકિંગ વગેરે પણ કરવામાં આવે છે. તેથી અમુક વખતે ટેસ્ટિંગ વધી ગયેલા જણાય છે. ટેસ્ટિંગ વધારવા અને નિયંત્રણો વઘ-ઘટ કરવા વચ્ચે કોઈ સંબંધ નથી.