ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ 2021
ગુરુવાર.
લાંબા સમયથી વરસાદની ગેરહાજરીએ પાણીનું ટેન્શન વધારી દીધું છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હાલ માત્ર 18.21 ટકા જેટલો પાણીનો સ્ટૉક બાકી રહ્યો છે. આગામી દિવસોમાં જો સંતોષજનક વરસાદ નહીં પડ્યો તો મુંબઈગરાના માથા પર પાણીકાપ મૂકવાનું સંકટ છવાયેલું છે.
ગયા વર્ષની સરખાણીમાં હાલ સાતેય જળાશયોમાં વધારે પાણી છે, છતાં મુંબઈ મહાનગરપાલિકાનું પાણી પુરવઠા ખાતું કોઈ જોખમ લેવા માગતું નથી. આગામી અઠવાડિયા સુધી પણ જો જળાશયોના કૅચમેન્ટ એરિયામાં સંતોષજનક વરસાદ નહીં પડ્યો તો પાલિકા પાણીકાપ બાબતે નિર્ણય લેશે એવું પાણીપુરવઠા ખાતાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો મળી રહે એ માટે સાતેય જળાશયોમાં પહેલી ઑક્ટોબરના 14, 47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો આવશ્યક છે. ગુરુવારે સવારના સાતેય જળાશયોમાં કુલ મળીને 2,63,631 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો, જે સરેરાશ 18.21 ટકા જેટલું છે. ગયા વર્ષ કરતાં આ વખતે જળાશયોમાં વધુ પાણી છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં 2,53,256 મિલિયન લિટર જેટલું પાણી હતું, તો 2019ની સાલમાં જળાશયોમાં આ સમયે 3,60,926 મિલિયન લિટર જેટલું પાણી હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં મોટા ભાગનાં જળાશયો થાણે અને નાશિક જિલ્લામાં છે. જૂન મહિનામાં સારો વરસાદ પડ્યા બાદ છેલ્લા થોડા દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો છે. એમાં પણ થાણે અને નાશિક જિલ્લામાં વરસાદ જ નથી પડ્યો. એથી પાલિકાની ચિંતામાં વધારો થયો છે. હવામાન ખાતાએ આગામી દિવસમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી છે. હાલ પાલિકા પ્રશાસન પાસે રાહ જોવા સિવાય વિકલ્પ નથી. આગામી એકાદ અઠવાડિયામાં વરસાદનું આગમન ન થયું તો જળાશયોમાં રહેલાં પાણીના સ્ટૉકને ધ્યાનમાં રાખીને પાણીકાપ મૂકવા બાબતે નિર્ણય લેવાશે.