ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
માલાડના માલવાણીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં 8 બાળકો સહિત કુલ 12 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાની ગંભીર નોંધ લેતાં બૉમ્બે હાઈકોર્ટે પાલિકા સાથે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે આ મામલાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો અને મુંબઈ અને એની સાથે સંકળાયેલ વિવિધ પાલિકાઓને ચેતવણી આપી હતી કે, ભવિષ્યમાં ફરીથી આ પ્રકારનો અકસ્માત ન સર્જાય.
માલવણીમાં 10 જૂનની રાત્રે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. છેલ્લા એક મહિનામાં મુંબઈમાં આવી 4 ઘટનાઓ બની છે. એમાં 24 લોકો માર્યા ગયા અને 23 લોકો ઘાયલ છે. આની નોંધ લેતાં મુંબઈ હાઈ કોર્ટે આજે સુઓમોટો અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને પ્રશાસનને સવાલ કર્યો હતો કે આ ઘટના માટે કોણ જવાબદાર છે. જવાબદાર નાગરિકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે “તમે લોકોની જિંદગી સાથે રમી રહ્યા છો અને આવી ઘટનાઓને અમે અવગણીશું નહીં.”
એ સમયે, એમિક્સ ક્યુરી (કોર્ટના મિત્ર) ઍડ્. શરણ જગતિયાનીએ પોતાનો કેસ રજૂ કરતાં અદાલતને જણાવ્યું હતું કે જમીન જિલ્લા કલેક્ટરના અધિકારક્ષેત્ર હેઠળ છે અને એના પર બાંધકામો કરવામાં આવ્યાં છે. જોકે વહીવટીતંત્ર અહીં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યું છે. સુનાવણી દરમિયાન હાજર સોલિસિટર જનરલ અનિલસિંહે કહ્યું કે “માલવણીમાં 75 ટકા બાંધકામો અનધિકૃત છે.”
ઉલ્લેખનીય છે કે આ દલીલ બાદ હાઈ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ બાંધકામો કોને માટે અધિકૃત કરવામાં આવી રહ્યાં છે એ અંગે પૂછતાં ખંડપીઠે વિવિધ પાલિકાઓને ત્યાંનાં અનધિકૃત બાંધકામો વિશે માહિતી મેળવવા જણાવ્યું હતું. દરમિયાન, અકસ્માતમાં 12 લોકોનાં કમનસીબે થયેલાં મોતને અવગણી શકાય નહીં. આથી હાઈકોર્ટે આ મામલે ન્યાયિક તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને તપાસનો રિપોર્ટ 24 જૂન સુધીમાં રજૂ કરવા સૂચના આપી હતી.