ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
હવામાન ખાતાની અતિવૃષ્ટની આગાહી સાચી પાડતો હોય એમ મંગળવાર મધરાતથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એમાં પણ વહેલી સવારના ત્રણ વાગ્યા દરમિયાન મુંબઈમાં ખાસ કરીને ઉપનગરમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. સવારના 8.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં જ સાંતાક્રુઝમાં અધધધ કહેવાય એટલો 102.8 મિલીમીટર જેટલો એટલે કે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
ટ્રાફિક પોલીસે જાહેર કરી સૂચિ; આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું ટાળજો
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ સવારના 9થી 10 વાગ્યા દરમિયાન વરસાદનું જોર વધુ રહ્યું હતું. આ સમય દરમિયાન રાવલી કૅમ્પમાં 53 મિલીમીટર (મિ.મી.), દાદરમાં 41 મિ.મી., ધારાવીમાં 39 મિ.મી., ભાયખલામાં 25 મિ.મી. તથા પરેલમાં 43 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઉપનગરમાં વિક્રોલીમાં 60 મિ.મી., ચેંબુરમાં 38 મિ.મી. અને કુર્લામાં 37 મિ.મી. વરસાદ પડ્યો હતો. પશ્ચિમ પરામાં અંધેરીના મરોલ વિસ્તારમાં 49 મિ.મી., સાંતાક્રુઝમાં 43 અને મલાડના માલવણી વિસ્તારમાં 23 મિ.મી. વરસાદ નોંધાયો હતો.