News Continuous Bureau | Mumbai
માયાનગરી મુંબઈમાં મકાન ભાડેથી લેવામાં આવે કે પછી ખરીદવામાં આવે, તેની કિંમત સાતમા આસમાને હોય છે. એટલું જ નહીં, આલિશાન ફ્લેટના ભાવ તો સાંભળીને સામાન્ય માણસને ચક્કર આવી જાય. અને તાજેતરમાં તો એક એવો સોદો થયો છે કે જેને કહી શકાય કે અત્યાર સુધીની સૌથી મોટો છે. વર્લી વિસ્તારમાં 23 ફ્લેટ 1200 કરોડ રૂપિયામાં વેચાયા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ડીમાર્ટના સહસ્થાપક રાધાકિશન દામાણીના નજીકના સગા અને મિત્રોએ આ આલીશાન ફ્લેટ ખરીદ્યા છે. હજી આ ફ્લેટની કામગીરી ચાલુ છે. આ ફ્લેટ વર્લીના એની બેસન્ટ રોડ પર બની રહેલા 360 વેસ્ટના બી-ટાવરમાં ખરીદવામાં આવ્યા છે. આ ફ્લેટ વેચનાર બિઝનેસબેન છે. તેમણે પોતાના ભાગના ફ્લેટ વેચ્યા છે. ફ્લેટ વેચનાર બિઝનેસબેન એ આ પ્રોજેક્ટમાં એક અન્ય બિલ્ડર સાથે પાર્ટનરશિપ કરી હતી.
આ સોદામાં વેચવામાં આવેલ તમામ અપાર્ટમેન્ટ 5000 સ્ક્વેર ફૂટની સાઈઝના છે. રિયલ એસ્ટેટના જાણકારોનું કહેવું છે કે, આ પ્રોપર્ટી ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી છે, કારણકે એકસાથે ખરીદવામાં આવી છે. આ સિવાય બિઝનેસમેન પર લોનની ચૂકવણીનું પણ ઘણું પ્રેશર હતું.
રેકોર્ડબ્રેક ભાવને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટો ઘડાકો થયો છે. કહેવાય છે કે ફલેટની ખરીદી માટે દામાણીના નજીકના વર્તુળો અને બિલ્ડર વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. 4-5 મહિના બાદ આ ડીલ ફાઈનલ થઈ હોવાનું મનાય છે. તમામ ફલેટસનું ગત શુક્રવારે રજિસ્ટ્રેશન પાર પડયું છે.