ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑક્ટોબર, 2021
અગાઉની કોરોનાની રસીની શીશીઓનો બગાડ થયો હોવા છતાં મોનોક્લોનલ ઍન્ટીબૉડીઝ ઇન્જેક્શનનો નવો ઑર્ડર લેવામાં આવ્યો હોવાનો આરોપ ભાજપના ઉપાધ્યક્ષ વિધાનસભ્ય પ્રસાદ લાડે કર્યો છે. મહાપાલિકામાં કોવિડને નામે મગાવવામાં આવેલાં મોનોક્લોનલ ઍન્ટીબૉડીઝ ઇન્જેક્શનમાં કરોડો રૂપિયાનો ગોટાળો થયો હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે. આવશ્યકતા ન હોવા છતાં મગાવવામાં આવેલાં આ ઇન્જેક્શનને લીધે મહાપાલિકાને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે અને છતાં વધુ ઇન્જેક્શન મગાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, એવો આરોપ પણ તેમણે સત્તાધારી શિવસેના સામે કર્યો છે. આ અંગે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર પણ તેમણે લખ્યો છે.
મોટા સમાચાર : આર્યન ખાનની મુશ્કેલી વધી, જેલમાં ઉજવશે દિવાળી; જામીન અરજી કોર્ટે ફગાવી
મહાપાલિકાએ કોરોનાની બીજી લહેરમાં સિપ્લા કંપની પાસેથી લીધેલી મોનોક્લોનલ ઍન્ટીબૉડીઝની 200 શીશીઓનો બગાડ થયો હોવા છતાં નવાં ટેન્ડર કાઢીને વધુ 500 શીશી રૂ. 60 કરોડ ખર્ચીને મગાવવામાં આવી છે. આ માટે ટેન્ડર નં. 7200006185 મગાવ્યું છે. એ દ્વારા ભ્રષ્ટાચારની પરંપરા આગળ ચાલુ રાખવામાં આવી છે. નવાં ટેન્ડર કાઢતાં પૂર્વે અગાઉનાં ટેન્ડરો દ્વારા મગાવવામાં આવેલી 500 શીશીઓનો હિસાબ આપો, એવી માગણી તેમણે કરી છે.
મોનોક્લોનલ ઍન્ટી બૉડીઝ કોકટેલનું દરેક ઇન્જેક્શન રૂ. 1 લાખનું છે. બીજી લહેર દરમિયાન 500 શીશીઓ મગાવવામાં આવી હતી, જેમાંથી 300 વપરાઈ અને 200નો બગાડ થયો હતો. એના થકી લાખ્ખો રૂપિયાનું આંધણ થયું છે. છતાં વધુ 500 શીશીઓ મગાવવામાં આવી રહી છે. હવે કોવિડની બીમારી કાબૂમાં હોવા છતાં ઇન્જેક્શન મગાવ્યાં એ આશ્ચર્યજનક છે. કમિશનરે આનો હિસાબ આપવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.
શિવસેના દ્વારા ભાજપના 15-20 નગરસેવકો અમારી પાસે આવવાની તૈયારી છે એવો દાવો કરવામાં આવ્યો હતો. એ મુદ્દે લાડે જણાવ્યું કે તમે તમારા નગરસેવકો સંભાળો. શિવસેનાના નેતા યશવંત જાધવ મહાપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર તરફથી ધ્યાન વિચલિત કરવા માટે આવા દાવા કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.