ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યામાં મોટો ઘટાડો જણાઈ રહ્યો છે. હાલ કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો જણાઈ રહ્યો છે પરંતુ દર્દીની સંખ્યા વધી જાય એવી પણ ભારોભાર શક્યતા છે. જોકે આગામી ચાર દિવસ મુંબઈ માટે મહત્વના સાબિત થવાના છે. જો આ સમયગાળામાં દર્દીની સંખ્યામાં ધટાડો કાયમ રહ્યો તો ત્રીજી લહેર ઓસરી રહી હોવાનું માનવું એવું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.
કોરોનાની ત્રીજી લહેરનો ફેલાવો 21 ડિસેમ્બર 2021થી ચાલુ થયો હતો. અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ 20 ટકાએ વધી રહી હોવાથી સક્રિય દર્દીનો આંકડો એક લાખની આસપાસ પહોંચી ગયો હતો. દિવસના 20,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા. તેથી મુંબઈના માથા પર મોટું જોખમ ઊભું થયું હતું. જોકે છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે આ આંકડો છ હજારની આસપાસ આવી ગયો હતો. તેથી ત્રીજી લહેર ઓસરી રહી હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.
મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટના દર્દી વધુ હતા. જોકે ત્રીજી લહેરથી તેમાં ઘટાડો થઈને ઓમાઈક્રોનના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી દર્દીની સંખ્યામાં ઘટાડો થશે એવો અંદાજો રાજ્યની ટાસ્ટ ફોર્સે વ્યક્ત કર્યો હતો. દર્દીની સંખ્યા ઘટી રહી છે, છતાં આગામી બે-ત્રણ દિવસમાં દર્દીની સંખ્યાનો અહેવાલ લેવામાં આવશે. જો દર્દીની સંખ્યા આવી જ રીતે ઘટતી રહી તો મુંબઈમાંથી ત્રીજી લહેર ઓસરી ગઈ હોવાનું સ્પષ્ટ થશે એવું સુરેશ કાકાણીએ કહ્યું હતું.