ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
કાંદિવલી (વેસ્ટ)માં આવેલા ચારકોપના સેક્ટર આઠમાં છેલ્લાં બે વર્ષથી સ્થાનિક રહેવાસીઓને દૂષિત પાણીનો પુરવઠો સપ્લાય થઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનથી લઈને નગરસેવકને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પણ તેમની ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી હોવાનો આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. છેવટે તેમણે હવે પાણી માટે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.
દૂષિત પાણીને કારણે રહેવાસીઓ ગૅસ્ટ્રો, ડાયેરિયા, કમળો જેવી બીમારીઓના ભોગ બની રહી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ આર-સાઉથની વૉર્ડ ઑફિસમાં સેક્ટર આઠના મોટા ભાગના વિસ્તારમાં દૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. હકીકતમાં તેઓ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે, પણ એની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
રહેવાસીઓના કહેવા મુજબ પાઇપલાઇનમાં ક્યાં સમસ્યા છે, એ જાણવા માટે પાઇપલાઇનમાં કૅમેરા નાખીને અગાઉ તપાસ કરવામાં આવી હતી. છતાં એનાથી પણ કંઈ ફરક પડ્યો નથી. સતત દૂષિત પાણીની ફરિયાદ બાદ પ્રશાસને તેમને પાણીની પાઇપલાઇન બદલી નાખવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી એના પર કોઈ કામ આગળ વધ્યું નથી. દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે લોકોએ આંદોલનનો સહારો લેવો પડવાના છે.