ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
પર્યાવરણ સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો, વેલા અને વનસ્પતિઓ ઉગે તે માટે કાંદિવલીના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કાંદીવલી સ્થિત કાંદીવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કોલેજ ના આર્ટસ અને કોમર્સ તેમજ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ અત્યારથી 'સીડ બોમ્બ' બનાવી રહ્યા છે. 'સીડ બોમ્બ' એટલે બીજ અને તેની આસપાસ માટી નું આવરણ. જેનો એક સંયુક્ત ગોળો હોય છે. ચોમાસાના સમયમાં આ ગોળાને રસ્તાના કિનારે અથવા અન્ય કોઈપણ જગ્યાએ ફક્ત રાખી દેવાથી પાણી નો સંપર્ક આવતા તેમાંથી અંકુર ફૂટે છે. જેને કારણે ભવિષ્યમાં તે જગ્યા પર વૃક્ષ અથવા છોડ ઉગાડવા ની શક્યતા બની રહે છે.
કાંદિવલીની કોલેજના 50 વિદ્યાર્થીઓએ ભેગા મળીને આવા 'સીડ બોમ્બ' બનાવ્યા. હવે તેને વન વિભાગને સુપરત કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં મુંબઈ શહેરની અનેક કોલેજો ભાગ લઇ રહી છે. તેમજ ચોમાસા પહેલા 1,11,111 'સીડ બોમ્બ' બનાવીને વનવિભાગને આપવામાં આવશે.આમ વિદ્યાર્થીઓના યોગદાનને કારણે મુંબઇનું પર્યાવરણ જળવાશે.