ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
પખવાડિયા પહેલા કાંદિવલીની ગગનચૂંબી ઈમારતમાં લાગેલી આગે બે સિનિયર સિટઝન ગુજરાતી મહિલાનો ભોગ લીધો હતો. આ ગોઝારી દુઘર્ટના માટે બિલ્ડિંગના સેક્રેટરી, ચેરમેન, આર્કિટેક્ટ અને ડેવલપર સામે બેદરકારી દાખવવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. બિલ્ડિંગમાં રહેલા ફાયર સેફ્ટી સિસ્ટમ બરોબર કામ કરતા ન હોવાને કારણે આગે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને સમયસર બુઝાવી શકાઈ નહોતી.
દિવાળીમાં ભાઈબીજના દિવસે 6 નવેમ્બરના ગ્રાઉન્ડ પ્લસ 14 માળાની હંસા હેરિટેજ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 89 વર્ષના રંજનબેન પારેખ અને 60 વર્ષના તેમના વહુનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ પોલીસે તપાસ ચાલુ કરી હતી. એ દરમિયાન જણાઈ આવ્યું હતું કે 2014માં ફાયર બ્રિગેડે એનઓસી આપતા સમયે બિલ્ડિંગમાં ફાયર સેફટી સીસ્ટમમાં અમુક સુધારા કરવા જણાવ્યા હતા. તેમ જ ઈમરજન્સી માટે ઇલેક્ટ્રિક જનરેટર અને ઈલેક્ટ્રિક સબસ્ટેશન બેસાડવા કહ્યું હતું, જેથી વોટર પંપને ઉપયોગી સાબિત થઈ શકે. તે માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે બિલ્ડરે આમાથી કોઈ સૂચનાનું પાલન કર્યું નહોતું.
6 નવેમ્બરના જ્યારે 14 માળે દીપક પારેખના ઘરની બહાર દરવાજામાં જયારે આગ લાગી ત્યારે તેને બુઝાવવામાં સફળતા મળી નહોતી. આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો બિલ્ડંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી હોત તો આ દુઘર્ટના ટાળી શકાઈ હોત. બિલ્ડિંગનું કામ પૂરું થયા બાદ તેને સોંપતા સમયે બિલ્ડરે એનઓસીમાં આવશ્યક રહેલી કોઈ સૂચનાનું પાલન કર્યું નહોતું. તેમ જ બિલ્ડિંગમાં સોસાયટી બન્યા બાદ સોસાયટીના કમિટી મેમ્બરો પણ આ સૂચનાનું પાલન કર્યું નહોતું. તેથી બિલ્ડર સહિત સોસાયટીના કમિટી સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.