ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈના લાલબાગચા રાજા મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય છે, જ્યાં દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન બાપાનાં દર્શન કરવા માનવ મહેરામણ ઊમટી પડે છે. કારણ કે લાલબાગચા રાજાને ઇચ્છાઓ પૂરી કરનાર ગણપતિ માનવામાં આવે છે. લાલબાગના રાજાનો દરબાર મુંબઈના લાલબાગ પરેલ વિસ્તારમાં સજાવવામાં આવે છે. લાલબાગચા રાજાનો દરબાર પ્રથમ વખત 1934માં યોજાયો હતો, ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ બધા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવવા પહોંચે છે.
જોકે ગણેશ ઉત્સવ કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને એ માટે મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ કવાયત શરૂ કરી છે. કોરોનાકાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. જોકે આવું ન થાય એ માટે BMCએ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના આગમન અને વિસર્જનયાત્રામાં પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ.
જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ. ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઊંચાઈ બે ફૂટથી વધુ ન હોવી જોઈએ, જ્યારે જાહેર મૂર્તિઓની ઊંચાઈ ચાર ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
તમામ ગણેશભક્તોમાં ઉત્સુકતા છે એ કે આ વર્ષે મુંબઈના લાલબાગના રાજાનાં આભૂષણો કેવાં હશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે ગણેશોત્સવ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ઊજવવામાં આવશે. આ વર્ષે બોર્ડે લાલબાગચા રાજાની ચાર ફૂટની મૂર્તિ માટે નવાં આભૂષણો બનાવ્યાં છે. બે કિલો 31 ગ્રામ વજનનાં ચાંદીથી બનેલાં કુલ 13 આભૂષણો છે. આ તમામ આભૂષણો ગોલ્ડ પ્લેટેડ છે. ગળામાં સમૃદ્ધ હાર, કડાં, બાજુબંધ, મોટી બાલી અને વીંટી.
ઉલ્લેખનીય છે કે લાલબાગના રાજાનો દરબાર ગત વર્ષે કોરોના વાયરસના કારણે શણગારવામાં આવ્યો ન હતો. કોરોનાએ ગત વર્ષે 86 વર્ષની પરંપરાને તોડી હતી.