ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં 7,895 નવા કોરોના સંક્રમણ મળી આવ્યા છે અને લગભગ ત્રણ ગણા વધુ એટલે કે 21,025 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં દર્દીઓની આ સંખ્યા શહેરીજનો અને મહાનગરપાલિકા પ્રશાસન માટે રાહતરૂપ છે.
કોરોનાની ત્રીજી લહેરમાં મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના 81 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા 1312 ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 126 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. બીજી તરફ પૂણેમાં પણ શનિવારે 31 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે પુણેમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા 465 થઈ ગઈ છે.
મુંબઈ સિવાય મહારાષ્ટ્ર ના આ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો
મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 11 લોકોના મોત પણ થયા છે. આ આંકડાઓના પર એક નજર કરીએ તો શહેરમાં 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી 14 હજાર કોરોના કેસ નોંધાયા છે. જોકે, 12 જાન્યુઆરીએ 16 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી શહેરમાં કોરોનાના કેસ 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જાે કે રાહતની વાત એ છે કે શનિવારે 21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અત્યાર સુધીમાં 9,20,383 લોકો કોરોનાથી સાજા થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને 92 ટકા પર પહોંચ્યો છે. હાલમાં મુંબઈમાં કુલ એક્ટિવ કેસ 60,371 છે.