ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જુલાઈ 2021
શનિવાર.
મુંબઈમાં છેલ્લા મહિના દરમિયાન કોરોના નિયંત્રણમાં આવ્યો છે. કોરોના કેસ 600ની આસપાસ નોંધાઈ રહ્યા છે. દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધીને 892 દિવસનો થઈ ગયો છે. કોવિડ પોઝિટિવિટી રેટ મુજબ મુંબઈ હાલ લેવલ 1 માં છે. છતાં કોરોનાની ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસના જોખમને આગળ કરીને મુંબઈમાં ત્રીજા લેવલના પ્રતિબંધને જ ચાલુ રાખવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.
મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા દૈનિક સ્તરે વધવાનો દર સરેરાશ 0.07 ટકા થઈ ગયો છે. કોરોનાના સક્રિય દર્દીની સંખ્યા પણ 7,000ની આસપાસ આવી ગઈ છે. છતાં મુંબઈની ભૌગલિક રચના અને લોકસંખ્યાની સાથે જ મુંબઈની આજુબાજુના વિસ્તારમાં પ્રતિદિન મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. તેમાં પાછું નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા વ્યકત કરી છે. તેથી મુંબઈમાં લેવલ 3 હેઠળના પ્રતિબંધ જ રહેશે એવું પાલિકાના એડિશન કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. કોરોનાના કેસમાં ઘટાડો થયો હોઈ આવતા અઠવાડિયે ફરીથી સ્ટડી કર્યા બાદ પ્રતિબંધો હળવા કરવા બાબતે નિર્ણય લેવાશે એવું તેમણે કહ્યું હતું.