ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ એરપોર્ટ પર એક વિચિત્ર બનાવ બન્યો હતો, જેમા એરોપ્લેનમાં સામાન ચઢાવતા સમયે એક લોડરની (એરપોર્ટ પરનો હમાલ) પ્લેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં આંખ લાગી ગઈ હતી. જયારે તેની આંખ ખૂલી ત્યારે તે પ્લેન સાથે અબૂધાબી સુધી પહોંચી ગયો હતો.
અબૂધાબી એરપોર્ટ પર પહોંચી ગયેલા આ લોડરની ઊંડાણમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરી ભારત -મોકલવામાં આવ્યો હતો. હવે તેની ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન(DGCA) દ્વારા ફરી તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવ 12 ડિસેમ્બર 2021ના બન્યો હતો.
ઈંડિગોની 6E-1835 આ પ્લેન મુંબઈથી અબૂધાબી જવાનું હતું. આ પ્લેનમાં પ્રવાસીઓની બેગ ચઢાવવામાં આવી રહી હતી ત્યારે એક લોડર થોડા આરામ કરવા માટે પ્લેનના લગેજ સેકશનમાં બેઠો હતો અને તેની આંખ લાગી ગઈ હતી. ત્યારબાદ થોડા સમયમાં લગેજ કમ્પાર્ટમેન્ટનો દરવાજો બંધ થઈ ગયો હતો, ત્યારે થયેલા અવાજને કારણે તેની આંખ ખુલી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં પ્લેને ટેકઓફ કરી લીધું હતું.
પ્લેન જયારે અબૂધાબીમાં ઉતર્યું ત્યારે લોડરને કબજામાં લેવામાં આવ્યો હતો. એરપોર્ટ પર તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરી ભારત મોકલવામાં આવ્યો હતો.