ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હાલ મુંબઈ શહેર અને મહારાષ્ટ્રમાં કોરોનાની અસર ઓસરતી જણાય છે. તેનાથી નિશ્ચિંત થઈ જવાની જરૂર નથી, પણ હજુ સાવચેતી તો રાખવી જ રહી.
ગણપતિ વિસર્જનની પૂર્વસંધ્યાએ રાજ્ય અને શહેર બંનેમાં કોવિડ -19ના કેસોની સંખ્યા સ્થિર રહી હોવા છતાં નિષ્ણાતોએ કહ્યું કે આગામી 15 દિવસ શહેર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
એક મીડિયા હાઉસના ઇન્ટરવ્યૂમાં મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે
“ગણપતિના તહેવાર નિમિત્તે શહેર છોડીને બહાર ગયેલા લોકો ઘરે પરત ફરતા હોવાથી કેસોમાં વધારો થવાની સંભાવના છે. આ પરત ફરનારાઓને લક્ષણો ન હોય તો પણ પોતાની તપાસ કરાવવાની ઝુંબેશ શરૂ કરી છે.”
તેમણે વધુમાં કહ્યું કે ‘‘ગણપતિના તહેવારો દરમિયાન ભીડ અને એકબીજાથી થતી અસરને સમજવા માટે ઓછામાં ઓછી 5 ઑક્ટોબર સુધી આપણે એલર્ટ રહેવું પડશે.’’
ઉલ્લેખનીય છે કે અગાઉ 35,000ની સરેરાશ સામે શહેર દરરોજ 40,000થી વધુ પરીક્ષણો કરી રહ્યું છે. થોડા દિવસ પછી દૈનિક પૉઝિટિવ દર થોડા દિવસ માટે 1%ની આસપાસ રહ્યો છે.
રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ લોકોને વિનંતી કરી કે તેઓ કોવિડને લગતી ગાઇડલાઇન્સને ભૂલી ન જાય, કારણ કે મુંબઈ, પુણે અને અહમદનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં પૉઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે.
શશાંક જોશી જેઓ કોવિડ માટે રાજ્ય સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય છે, તેમણે કહ્યું કે “જ્યાં ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ્સ મળ્યા છે તે વિસ્તારોમાંથી પણ લોકો પાછા ફરશે તો આરોગ્ય તંત્રે સજાગ રહેવાની જરૂર છે. કેસમાં વધારો ન થાય તેની ખાતરી કરવા માટે અમે યોગ્ય પગલાં ભરી રહ્યા છીએ.”
મુંબઈમાં ગઈ કાલથી સતત વરસાદ ચાલુ છે, ક્યાં કેટલા મિલીમીટર વરસાદ; જાણો વિગત