News Continuous Bureau | Mumbai
Ajit Pawar passes away: બારામતીમાં વિમાન લેન્ડિંગ કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં અજિત પવારનું નિધન થયું છે. જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે તેઓ મુંબઈથી બારામતી પહોંચ્યા હતા. લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના એટલી ભીષણ હતી કે વિમાનના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
દુર્ઘટનાની વિગતો અને અંતિમ ક્ષણો
વિમાન જ્યારે બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે જ તેમાં ખામી સર્જાઈ હતી.વિમાનમાં અજિત પવાર સહિત કુલ ૬ લોકો સવાર હતા, જે તમામના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અજિત પવારને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને તેમણે અંતિમ શ્વાસ લીધા. દુર્ઘટના સ્થળની સ્થિતિ જોઈને જ બચવાની આશા ઓછી જણાતી હતી.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રના ‘દાદા’ ની રાજકીય સફર
છેલ્લા સાડા ચાર દાયકાથી અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યા હતા. શરદ પવારના વારસદાર તરીકે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના શક્તિશાળી નેતા તરીકે તેમની એક આગવી ઓળખ હતી. વહીવટ પર મજબૂત પકડ, સવારના વહેલા કામ શરૂ કરવાની શિસ્ત અને ‘સ્પષ્ટવક્તા’ નેતા તરીકે તેઓ ‘દાદા’ ના હુલામણા નામથી લોકપ્રિય હતા. તેમના જવાથી પવાર પરિવાર અને રાજ્યના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
સમગ્ર મહારાષ્ટ્ર સ્તબ્ધ
અજિત પવારના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ સહિતના તમામ પક્ષના નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. બારામતીમાં સમર્થકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પ્રશાસન દ્વારા દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
