News Continuous Bureau | Mumbai
Maharashtra Farmers’ Protest: નાસિકથી મુંબઈ તરફ ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ પદયાત્રા માર્ચ શરૂ થયો છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) અને અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં આ આંદોલન છેડાયું છે. ખેડૂતોનો આરોપ છે કે અગાઉ અનેકવાર આશ્વાસન મળ્યા હોવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો રસ્તામાં સરકાર સાથે સંતોષકારક વાતચીત નહીં થાય, તો તેઓ મુંબઈ પહોંચીને રાજ્ય સચિવાલય (મંત્રાલય) નો ઘેરાવો કરશે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે?
આ આંદોલન પાછળ ખેડૂતોએ સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:
જમીન અધિકાર: વન અધિકાર કાયદાનો સંપૂર્ણ અમલ અને ‘પેસા’ (PESA) કાયદા હેઠળ આદિવાસી વિસ્તારોમાં જમીનનો હક.
સિંચાઈ અને વીજળી: અટકેલી સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવી અને ખેતી માટે સતત વીજ પુરવઠો આપવો.
MSP ની ગેરંટી: સોયાબીન અને મકાઈ જેવા પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ખાતરી.
દેવા માફી: ખેડૂતોના પડતર દેવા અંગે યોગ્ય નિર્ણય લેવો.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
દિગ્ગજ નેતાઓનું સમર્થન
આ પદયાત્રામાં અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક ધાવલે અને સીટુના ઉપાધ્યક્ષ ડી.એલ. કરાડ જેવા મોટા નેતાઓ પણ ખેડૂતો સાથે પગપાળા ચાલી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જે.પી. ગાવિતે જણાવ્યું હતું કે ખેડૂતો પોતાની સાથે રાશન અને જરૂરી સરસામાન લઈને નીકળ્યા છે. તેઓ મુંબઈ પહોંચવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સરકાર સામે મોટો પડકાર
પ્રજાસત્તાક પર્વ અને રાજ્યની રાજકીય સ્થિતિ વચ્ચે ખેડૂતોનું આ આંદોલન સરકાર માટે માથાનો દુખાવો બની શકે છે. નાસિકથી મુંબઈ વચ્ચેના હાઈવે પર ખેડૂતોના કાફલાને કારણે ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે મોટો પડકાર છે. ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં જણાઈ રહ્યા છે.