ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
રાજ્ય સરકાર તમામ મુસાફરો માટે ઉપનગરીય ટ્રેન શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં લોકલ ટ્રેન માં માત્ર જીવન જરૂરિયાત અને અતિઆવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને પ્રવેશ આપવામાં આવે છે. જો બધું જ બરાબર રહેશે, તો વધારાની સેવાઓ એક અઠવાડિયાની અંદર સામાન્ય લોકો માટે પણ કાર્યરત થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે કોવિડ -19 ટાસ્ક ફોર્સની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને રેલ્વે સાથે સંકલન કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય અને પશ્ચિમ રેલ્વેએ કહ્યું છે કે, તેઓ વધુ ટ્રેનો દોડાવવા સજ્જ છે.
નોંધનીય છે કે 28 ઓગસ્ટના રોજ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ રેલ્વે (સીઆર) એ કેવી રીતે એક દિવસની સૂચના પર ટ્રેનોને ફરી શરૂ કરવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ ફક્ત રાજ્ય અને કેન્દ્ર સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે.
આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે "કોરોનાનો ચેપ લાગવાનું જોખમ હોવા છતાં, વધારાની ટ્રેનો, વહેલા કે મોડા દોડાવવી પડશે જ પછીની સેવામાં મૂકવી પડશે. હાલ માન્ય મુસાફરોને ટ્રેનોમાં બેસવા માટે ક્યૂઆર કોડ આપવામાં આવ્યા છે.
બીજી એક હિલચાલમાં, સરકાર ધાર્મિક સ્થળોને પણ ફરીથી ખોલવા દેવાની તૈયારી કરી રહી છે પરંતુ શરત સાથે કે દેવાલયો પાસે ભીડનું સંચાલન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવશક્તિ હોવી જોઈએ. મુંબઈમાં સિદ્ધિવિનાયક, શિરડીમાં સાંઈ બાબા, શેગાંવમાં ગજાનન મહારાજ અને પંઢરપુરમાં વિઠ્ઠલ-રઘુમાઈ જેવા મંદિરોનો સમાવેશ થાય છે. જ્યાં ભીડનું સંચાલન માટે પહેલેથી જ નિયમો લાગુ છે. કેટલાક સુસજ્જ મંદિર ટ્રસ્ટ ભક્તોની ઓનલાઇન નોંધણી કરવાનું શરૂ કરી શકે છે અને પ્રવેશની મંજૂરી આપવા માટે કોડિંગ સિસ્ટમનું
પાલન કરશે. જેથી કોરોનાની સરકારી ગાઈડલાઈન નું પણ પાલન થઈ શકે..