ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો થયો છે. મુંબઈમાંથી તો લગભગ બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈનો પૉઝિટિવિટી રેટ પણ ઘટીને 2.40ની આસપાસ આવી ગયો છે, પરંતુ નાગરિકો જો બેદરકાર રહ્યા અને કોરોનાને લગતા નિયમોનું પાલન નહીં કર્યું તો આગામી બે-ત્રણ મહિનામાં મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે, જે વધુ જોખમી બની રહેશે એવી ચોખ્ખા શબ્દોમાં મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડૉક્ટરોએ ચેતવણી આપી છે.
કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાથી મહારાષ્ટ્રમાં તબક્કાવાર લૉકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. જોકે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ માથે ટીંગાયેલું છે. તેથી રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી. જેમાં ત્રીજી લહેર માટે દવાઓથી લઈને તમામ પ્રકારના ઉપકરણોથી સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સામાન્ય નાગરિકો નહીં, પણ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરો પ્રૉપર્ટી ટૅક્સ, વેપારીઓની માગણી ; જાણો વધુ વિગત
આ દરમિયાન ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ ચોખ્ખી ચેતવણી આપી હતી કે રાજ્યમાં પહેલી લહેર દરમિયાન લગભગ 10 લાખ જેવા કેસ નોંધાયા હતા. બીજી લહેર દરમિયાન 40 લાખની આસપાસ કેસ થયા હતા. તેથી હજી પણ કોરોનાને લગતા નિયમોનું પાલન નહીં કર્યું, લોકો માસ્ક નહીં પહેરે અને સાર્વજનિક સ્થળે ભીડ કરતા રહેશે તો ત્રીજી લહેર ચોક્કસ આવશે. ત્રીજી લહેરમાં કોરોના દર્દીની સંખ્યા પણ ભયજનક રીતે વધશે અને તેમાં નાનાં બાળકોને પણ વધુ જોખમ રહેશે. એથી લોકોએ નિયમોનું પાલન કરવાનું રહેશે, તો સરકારે વેક્સિનેશન વધારવાની સાથે જ ટેસ્ટિંગ વધારવા પર અને સર્વે કરવા પર ધ્યાન આપવાનું રહેશે. તેમ જ હૉસ્પિટલોને દવા તથા તમામ મેડિકલ સાધનોથી સજ્જ રાખવાની રહેશે એવી સલાહ પણ ટાસ્ક ફોર્સના ડૉક્ટરોએ આપી હતી.