ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના કેસમાં રેકોર્ડ ઘટાડાના 42 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે. 3,365 નવા કોવિડ-19 દર્દીઓ સાથે મહારાષ્ટ્રએ કેરળને પણ પાછળ મૂકી દીધું છે. કેરળમાં સોમવારે 2,884 દર્દીઓ નોંધાયા હતા. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે મહારાષ્ટ્રમાં ગત 30 નવેમ્બર બાદ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને અમરાવતી અને નાગપુર અને ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે સત્તાવાળાઓને દહેશત છે કે ચેપનું નવું મોજું ફરી વળશે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મરાઠાવાડા ક્ષેત્ર હેઠળના આઠ જિલ્લાઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા માટે ઓરંગાબાદ આવ્યા હતા. આ દરમિયાન પવારે કહ્યું કે રાજ્યમાં નવા કેસોની સંખ્યા ચિંતાજનક છે. જો કેસ વધવાનું ચાલુ રહેશે તો મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ અમારે કડક પગલું ભરવું પડશે. લોકો માસ્ક પહેરતા નથી. આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે. એને કારણે આપણે આકરી કિંમત ચૂકવવી પડશે.
આગળ તેમણે કહ્યું, આપણે જોયું છે કે રોગચાળાની બીજી તરંગને ધ્યાનમાં રાખીને ફરીથી વિશ્વના ઘણા ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અકોલા જિલ્લામાં કોરોનાના કેસ વધી જતાં જિલ્લા અધિકારીએ સમગ્ર જિલ્લામાં કર્ફ્યૂ લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. અનલોક કર્યા બાદ ફરી કર્ફ્યૂ લાગુ કરનાર મહારાષ્ટ્ર રાજ્યમાં આ બીજો જિલ્લો બન્યો છે. આ પહેલાં અમરાવતી જિલ્લામાં કર્ફ્યૂનો આદેશ અપાયો હતો.
