ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
મુંબઈ લેવલ વનમાં આવી ગયું હોવા છતાં લેવલ 3 હેઠળના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, ત્યારે BMC પોતાના નિર્ણય પર પુનર્વિચારણા કરે અને દુકાનોને સામાન્ય કામના કલાકો સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપે એવી વેપારીઓએ માગણી કરી છે. પોતાની માગણી સાથે વેપારીઓનું નેતૃત્વ કરતી સંસ્થા ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)એ ફરી એક વખત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને BMC કમિશનર ઇકબાલસિંહ ચહલને પત્ર લખી રાહત આપવાની વિનંતી કરી છે.
મુંબઈના વેપારીઓને રાહત આપો એવી માગણી મુખ્ય પ્રધાન તથા BMC કમિશનરને કરવામાં આવી છે. આ બાબતે ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)ના હોનરેબલ સેક્રેટરી અને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ઍસોસિયેશનના પ્રેસિડન્ટ મિતેશ મોદીએ કહ્યું હતું કે BMCનાં આવાં બેવડાં ધોરણોને કારણે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ ગયું છે. ગેરકાયદે ફેરિયા અને ઈ-કૉમર્સ કંપનીઓ બિનધાસ્ત રીતે ધંધો કરી રહી છે. તેની સામે પ્રામાણિક રીતે ટૅક્સ ભરનારા દુકાનદારોને સીમિત સમય પૂરતી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.
BMC કમિશનર ઇકબાલસિંહ વધુ પડતું સાવધાનીભર્યુ વલણ અપનાવી રહ્યા છે. અમે તેમની ચિંતા સમજીએ છીએ એવું બોલતાં મિતેશ મોદીએ જણાવ્યું હતું કે મુંબઈને લેવલ 3માં રાખવાના નિર્ણયને કારણે મુંબઈની ઇકોનોમી અને વેપારીઓ ફરી ICUમાં આવી ગયા છે. મુંબઈનો પૉઝિટિવિટી રેટ ઓછો છે. મુંબઈ છૂટછાટ મેળવવાને લાયક છે. છતાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જોખમ લેવા માગતા નથી એવો પ્રશાસનનો દાવો વેપારીઓને નુકસાન પહોંચાડી રહ્યો છે. થોડા કલાકો માટે દુકાન ખુલ્લી રાખીને વેપારીઓ ખર્ચો પૂરી નથી કરી શકવાના. તેમને લોનના હપ્તા, વર્કરોના પગાર, લાઇટબિલ, કરવેરા વગેરે ચૂકવવાના છે.
દર્દીઓનાં ખિસ્સાં ખંખેરનારી હૉસ્પિટલને પાલિકાએ શીખવાડ્યો આવો પાઠ; જાણો વિગત
મિતેશ મોદીએ કહ્યું હતું કે પાલિકાની નીતિ ઈ-કૉમર્સને ફાયદાકારક બની રહી છે. લોકલ ટ્રેન જેવી પબ્લિક ટ્રાન્સપૉર્ટ બંધ હોવાથી ગ્રાહકો ખરીદી માટે બહાર નીકળી શકતા નથી. એનો સીધો ફાયદો ઑનલાઇન વેચાણ કરનારી ઈ-કૉમર્સ કંપનીઓને થઈ રહ્યો છે. કારણકે તેમના પર કોઈ જાતના પ્રતિબંધ નથી. વધુ કલાકો દુકાન ખૂલી રાખવાથી ભીડ થાય છે, તો રસ્તા પર બેસનારા ફેરિયાઓને કારણે ભીડ નથી થતી એવું તેમનું કહેવા પાછળ વર્ષોથી ચાલી રહેલી હપ્તાબાજી છે. અમારી ફક્ત એટલી માગણી છે કે નિયમ અંતર્ગત અમને જે રાહત મળવી જોઈએ, જેના માટે અમે લાયક છે તે અમને આપો. પાલિકાના કમિશનર શું ઇચ્છે છે અમને ખબર નથી પડતી. એટલે જ અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વેપારીઓના આર્થિક હિતની સાથે જ મુંબઈના આર્થિક હિતનો પણ વિચાર કરવાની માગણી કરી છે.