ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
આર્થિક રાજધાની મુંબઈમાં અવારનવાર કંઈક ને કંઈક ઘટના બનતી રહે છે. તાજેતરમાં દહીસરમાં બનેલી લૂંટની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે મુલુંડમાં શસ્ત્રોની ધાકે થયેલી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુલુંડમાં દિન દહાડે પાંચ લૂંટારા આંગડિયાની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને શસ્ત્રોની ધાકે રૂ. 77 લાખની રોકડની લૂંટ ચલાવી હતી.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, આ ઘટના બુધવારે બપોરે મુલુંડના પાંચ રસ્તા વિસ્તારમાં આવેલી આંગડિયાની ઓફિસમાં બની હતી. પાંચ લૂંટારા આંગડિયાની ઓફિસમાં ઘૂસી આવ્યા ત્યારે કંપનીનો માલિક અને અમુક કર્મચારીઓ હાજર હતા. આ ઘટના બુધવારે બની હતી અને તેનો સીસીટીવી વીડિયો હવે સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માસ્ક પહેરેલા ત્રણ બદમાશો ઓફિસમાં ઘૂસ્યા અને પિસ્તોલની મદદથી કર્મચારીઓને બંધક બનાવ્યા. ત્યારબાદ તેઓ ઓફિસમાં રાખેલી રોકડ લૂંટી લે છે. એક આરોપી પિસ્તોલ બતાવીને ઓફિસના લોકોને ડરાવે છે અને બીજો બેગમાં પૈસા ભરે છે.
મુંબઈના મુલુંડમાં એક ઓફિસમાં ગન પોઈન્ટ પર થઇ 1 કરોડ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ; જુઓ વિડીયો#Mumbai #mulund #MumbaiPolice pic.twitter.com/lwPAkzSdFB
— news continuous (@NewsContinuous) February 3, 2022
મુલુંડ પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. એડનવાલા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આંગડિયા ઓફિસમાં ચાર લોકો ઘૂસ્યા હતા અને પાંચમો આરોપી કારમાં બહાર રાહ જોતો હતો. લૂંટ મચાવ્યા બાદ પાંચેય આરોપી કારમાં નાસી ગયા હતા. તમામ આરોપીઓએ માસ્ક પહેરેલા હતા, તેથી તેમની ઓળખ થઈ શકી નથી. કારની નંબર પ્લેટ પણ નકલી હોવાથી તેને ટ્રેક કરવામાં મુશ્કેલી આવી રહી છે.
નોંધનીય છે કે આંગડિયાઓ અમુક ફી લઈને 24 કલાકમાં નાણાં, હીરા અને દાગીના નિર્ધારિત પાર્ટીઓને પહોંચાડવાનું કામ કરે છે. આ મામલાની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે મુલુંડ પોલીસે આર્મ્સ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ છે. ટૂંક સમયમાં જ આરોપી અમારી કસ્ટડીમાં આવશે.