ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
આગામી ચારેક મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. એ અગાઉ મુંબઈના વોર્ડમાં ફેરરચના કરવામાં આવી છે. જેનો ડ્રાફ્ટ પાલિકા પ્રશાસને ચૂંટણી કમિશનને રજૂ કર્યો છે. ભાજપે નવા સીમાંકનના વિરોધમા સોમવારે પાલિકાના મુખ્યાલયમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલ સામે ગાંધીગીરી કરીને આંદોલન કર્યું હતું અને વોર્ડની ફેરરચનામાં ગડબડ કરવામાં આવી હોવાની ફરિયાદ પણ ચૂંટણી કમિશનને કરી છે. જોકે વોર્ડની સીમાંકનને કારણે તમામ નગરસેવકોનું ટેન્શન વધી ગયું છે. નગરસેવકોને ખાસ કરીને ભાજપના નગરસેવકોને નવા સીમાંકનને કારણે તેમના વોર્ડમાં હારવાનો ડર લાગી રહ્યો છે.
મલાડ(પશ્ચિમ)માં વોર્ડ નંબર 47ની નગરસેવિકા જયા સતમાન સિંહ ટીવાનાએ પણ તેના વોર્ડમાં કરવામાં આવેલી ફેરરચનાને ગેરવાજબી ગણાવી છે અને તેને લઈને ચૂંટણી કમિશનર અને પાલિકા કમિશનરને ખાસ પત્ર લખીને પોતાના વોર્ડમાં ખોટી રીતે વોર્ડનું વિભાજન કરવામા આવી રહ્યું હોવાની ફરિયાદ કરી છે..
નગરસેવિકાએ પત્રમાં કરેલી ફરિયાદ મુજબ કોઈ પણ પાલિકા અધિકારી સાથે ચર્ચા નહીં કરતા એક વોર્ડને બીજા વોર્ડમાં એમ મનફાવે તેમ ખોટી રીતે વોર્ડનું વિભાજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકીય હેતુએ વોર્ડમાં ફેરરચના કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને આવેલી વોર્ડ રચનાને લઈને તાબડતોબ પગલા લેવાની માગણી પણ નગરસેવિકાએ કરી છે.