ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
કોરોના મહામારીમાં બંધ પડેલા શોપિંગ મોલની ચમક દિવાળીમાં પાછી આવી ગઈ છે. મુંબઈ અને નવી મુંબઈના મોલ ગ્રાહકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે. મોલ શરૂ થયાને ત્રણ મહિના થયા ત્યાં સુધી ગ્રાહકોની સંખ્યા ઓછી રહી હતી. હવે તહેવારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી આવી રહ્યા છે. મોલના સંચાલકોનું કહેવું છે કે લોકડાઉનના કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહેલા મોલને દિવાળીમાં સંજીવની મળી છે. વર્ષના અંત સુધીમાં નુકસાનની 100 ટકા ભરપાઈ થઈ જશે. હાલમાં મોલમાં માલનું વેચાણ 90 ટકા સુધી પહોંચી ગયું છે.
મુંબઈમાં શોપિંગ મોલ અને દુકાનોને 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની શરતી પરવાનગી આપવામાં આવી છે. તહેવારોની સિઝનમાં સરકારના આ નિર્ણય પર વેપારીઓએ ખુશી વ્યક્ત કરી છે. નવી મુંબઈના એક જાણીતા મોલના મેનેજરે જણાવ્યું હતું કે, લોકડાઉન શરૂ થયાના દિવસોમાં ગ્રાહકો ઘણી ઓછી સંખ્યામાં આવી રહ્યા હતા. જો કે તહેવારો દરમિયાન લોકો ધીમે ધીમે શોપિંગ મોલમાં આવવા લાગ્યા. વિવિધ ઓફરો બહાર પાડવામાં આવી હતી. ખાસ કરીને દિવાળી દરમિયાન લોકોની ભીડ વધી હતી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેશે થયેલા નુકસાનની ભરપાઈ થશે.
મોલ્સ સંચાલકોનું કહેવું છે કે રાજ્ય સરકારે બ્રેક ધ ચેઈન હેઠળ મોલ ખોલવાની મંજૂરી આપી હતી. તે સમયે દોઢથી બે મહિના સુધી ધંધાનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. કોવિડને કારણે શોપિંગ મોલ્સ ઉદ્યોગને 50 હજાર કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે આર્થિક ચક્રને વેગ આપવા માટે સરકારની પહેલથી મોલ્સ બિઝનેસને ઘણી રાહત મળી છે.
થાણેના એક મોલના ચીફ માર્કેટિંગ ઓફિસરે જણાવ્યું હતું કે મુંબઈ, થાણે અને નવી મુંબઈના શોપિંગ મોલમાં બે લાખથી વધુ લોકો કામ કરે છે. રાજ્ય સરકારની પરવાનગી બાદ શોપિંગ મોલ જ નહીં પરંતુ અહીં કામ કરતા લોકોની આર્થિક સ્થિતિ પાટા પર ચઢી છે. ગ્રાહકોને આકર્ષવા માટે એક અઠવાડિયામાં બે લકી ગ્રાહકોને iPhone 13 ગિફ્ટમાં અપાય છે. આ ઉપરાંત ધનતેરસ અને દિવાળીને ધ્યાનમાં રાખીને સોનાની ગિફ્ટ આપવા લકી ડ્રો યોજવામાં આવી રહ્યો છે.
ઉપરાંત ગત બે દિવસથી મુંબઈ પરાંના બોરીવલી, કાંદિવલી, મલાડ અને ગોરેગાંવ સ્થિત મોલમાં પણ ગ્રાહકોની ગિરદી જોવા મળી રહી છે.