ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
આ ઘટના લોકડાઉન દરમ્યાનની એટલે કે ગયા માર્ચ માસની છે. લોકડાઉન દરમ્યાન એક યુવકે ઘરની બહાર નીકળવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી. લોકડાઉન બહાર દેખાતા એક યુવાનને પોલીસે એટલો માર માર્યો કે યુવકે જીવથી હાથ ધોવા પડ્યાં હતાં. જોગેશ્વરીના નહેરુ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઉપરોક્ત બનાવ બન્યો છે. લોકડાઉન દરમ્યાન 30 માર્ચે એક 22 વર્ષીય શખ્સને, માર મારી મોતને ઘાટ ઉતારવાના આરોપસર મુંબઇ પોલીસના ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.
આ ઘટના બાદ મૃતક યુવકના ઘરવાળાઓએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે ગઈ 17 ઓગસ્ટે આ કેસ એસઆઈટીમાં ટ્રાન્સફર કર્યો હતો અને મુંબઈ પોલીસને એક મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા ચાર પોલીસ દ્વારા શરૂઆતથી જ વિરોધાભાસી દાવા કરવામાં આવી રહયાં હતાં. પહેલાં કહ્યું હતું કે, મૃતક લૂંટ કરવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ સ્થાનિક રહીશોએ તેને દબોચી લઇ માર મારતા મૃત્યુ પામ્યો હતો. પરંતુ પછીથી તેઓએ બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં કોઈ ‘મોબ લિંચિંગ’ જોવા નથી મળ્યું. ત્યારબાદ મુંબઇ પોલીસે ઘટના સ્થળેથી અટકાયતમાં લીધેલા શખ્સોમાંથી એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે, 29-30 માર્ચની વચ્ચેની રાતે ચારે જવાનોએ યુવકને પકડ્યો હતો અને યુવકે જ્યારે ભાગી જવાની કોશિશ કરી ત્યારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જયારે ઉપરોક્ત ઘટના સંદર્ભે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઘટનાની રાતે મૃતક યુવાન સંબંધીના ઘરે જઇ રહ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો અને મરનાર યુવકને પકડી સખત માર મારવામાં આવ્યો હતો. જેથી તેનું મોત થયું હતું.. પરંતુ, બીજા દિવસે, પોલીસ અજાણ બની મૃતકના પરિવારને કથિત રીતે જાણ કરવા આવી હતી કે તમારો પુત્ર નહેરુ નગર ચોક પર પડેલો જોવા મળ્યો હતો, જેને હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો…