ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
બીએમસીએ ગુરુવારે એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેણે તેના કર્મચારીના ઓળખપત્રોની ચોરી કરી, પોતાની ઓળખ તે વ્યક્તિ તરીકે રજૂ કરી અને 24 વર્ષ સુધી પગાર લીધો હતો. પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, બીએમસીએ આંતરિક તપાસ હાથ ધરીને સ્વાંગ રચી આ છેતરપિંડી કરનાર સામે કેસ નોંધાવ્યો હતો અને બીએમસી સાથે 43.31 લાખ રૂપિયાની ઠગાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
બંને કર્મચારીઓનું નામ, જન્મ તારીખ અને સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર સમાન હતું. અસલી કર્મચારી, સોપાન મારુતિ સાબળે – એફ સાઉથના વોર્ડમાં મકાન મુકાદમ તરીકે નોકરી કરે છે, તે 1989માં BMC માં જોડાયો હતો. સ્વાંગ રચનાર આ વ્યક્તિ 1993માં મજૂર તરીકે બીએમસીમાં જોડાયો હતો અને ભાયખલામાં BMCના વોટર ડીપાર્ટમેન્ટમાં માળી તરીકે કામ કરતો હતો.
વર્ષ 2017ની શરૂઆતમાં, કોઈએ જોયું કે શાળાનું નામ, ઉત્તીર્ણ વર્ષ અને બીજી તમામ વિગતો દસ્તાવેજોમાં બંને કર્મચારીઓ માટે સમાન હતી. અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને બંનેને તેઓની ભરતી વખતે સબમિટ કરાયેલા મૂળ જાતિના પ્રમાણપત્રો સોંપવા કહેવામાં આવ્યું હતું.”
બંને શખ્સને નોટિસ ફટકારતાં જ 1989માં ભરતી થયેલા વ્યક્તિએ તેના અસલ દસ્તાવેજો સબમિટ કર્યા. જોકે, માળીએ કામ પર આવવાનું જ બંધ કર્યું હતું. માર્ચ 2017માં બીએમસીએ માળીને શોકઝ નોટિસ ફટકારી અને તેને કામ પર આવવા સૂચના આપી.
પરંતુ આ નોટિસ પુણેમાં મુકાદમના મકાનના સુધી પહોંચી હતી. જ્યારે મુકાદમેં ઓફિસમાં જઈ અને પૂછપરછ કરી, ત્યારે બીએમસી અધિકારીઓને સમજાયું હતું કે આ વેશપલટાનો મામલો છે. ત્યારબાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી, જે 2021ની શરૂઆત સુધી ચાલતી હતી. હવે આ મામલે ગુનો નોંધાયો છે.